મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં. 1116 ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ ફાળવવામાં આવેલ 336 લાભાર્થીઓના આવાસ રદ કરવામાં આવ્યા છે અને તેની યાદી જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત કુલ 400 આવાસોનો કોમ્પ્યુટર આધારિત ડ્રો તા. 30-01-2017ના રોજ યોજાયો હતો. જેમાં ડ્રોમાં પસંદ થયેલા 400 લાભાર્થીઓમાંથી 336 લાભાર્થીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરી રકમ ભરપાઈ કરી નહોતી. ઉપરાંત કેટલાક લાભાર્થીઓ દ્વારા ફાળવેલ આવાસનો કાયમી ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અથવા આવાસનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવતાં સક્ષમ કક્ષાએથી 336 આવાસો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા રદ કરાયેલ આવાસો પરત મેળવીને નવી અરજીઓ મંગાવી પુનઃ ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લાભાર્થીઓના મૂળ સરનામા અધૂરા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવી શક્ય ન હોવાથી 336 આવાસોના લાભાર્થીઓની યાદી લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ની સાઇટ પર બિલ્ડિંગ મુજબ (ફાળવેલ આવાસના સરનામે) ચોટાડીને પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાથે સાથે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ આ યાદી મુકવામાં આવી છે.
આ યાદી તા. 03-03-2026 થી તા. 13-03-2026 દરમિયાન કચેરીના સમયમાં જોઈ શકાશે. લીલાપર રોડ ઉપર સર્વે નં. 1116 ખાતે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ના લાભાર્થીઓને આ બાબતની નોંધ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.





