Wednesday, March 18, 2026

મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત

Advertisement
Advertisement
Advertisement

કેન્દ્ર સરકારના વિવિધ માપદંડોમાં મોરબીના આરોગ્ય કેન્દ્રો અગ્રેસર; ગુણવત્તાયુક્ત સારવાર અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ

આરોગ્ય તંત્રની કામગીરી અને વહીવટી તંત્રની પીપલ ફર્સ્ટ અભિગમ સાથે છેવાડાના માનવી સુધી પહોંચી આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ

મોરબી જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી સાથે વહીવટી તંત્રની સિદ્ધિઓમાં એક સિદ્ધિ ફરી ઉમેરાઈ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા મૂલ્યાંકનમાં મોરબી જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને એકસાથે સ્થાન મળ્યું છે, જે ખરેખર ગૌરવની વાત છે. મોરબી તાલુકાના ૭ અને વાંકાનેર તાલુકાના ૧ આયુષ્માન આરોગ્ય મંદિરને ૧૨ મહત્વપૂર્ણ સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ થકી જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા, સ્ટાફની કાર્યક્ષમતા અને દર્દીલક્ષી અભિગમને રાષ્ટ્રીય સ્તરે વિશેષ બહુમાન મળ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નેશનલ ટીમ દ્વારા આ કેન્દ્રોમાં માતૃત્વ સેવાઓ, શિશુ આરોગ્ય, કુપોષણ નિવારણ, કુટુંબ કલ્યાણ, અને ચેપી-બિનચેપી રોગોના નિદાન જેવી પાયાની સેવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય, આયુષ-યોગ પદ્ધતિ અને શાળાના બાળકો માટેના હેલ્થ ચેકઅપ જેવી ૧૨ સેવાઓમાં આ કેન્દ્રોની કામગીરીની વિશેષ નોંધ લેવાઈ હતી.

આયુષ્માન આરોગ્ય મંદિરોમાં બહાદુરગઢને : ૯૩.૮૨%, જુના નાગડાવાસને ૯૨.૩૮%, બરવાળાને ૯૧.૧૩%, જોધપર (નદી)ને ૯૦.૯૫%, લખધીરપુરને ૮૯.૬૧%, કોયલીને ૮૯.૦૭%, મકતાનપર (વાંકાનેર)ને ૮૮.૩૫% અને ગોર ખીજડીયાને ૮૭.૦૧% રેન્ક સાથે વહીવટી તંત્રની કટિબદ્ધતા અને સ્ટાફની મહેનત થકી આ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ થઈ છે. મોરબી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો હવે ગુણવત્તાના માપદંડમાં રાષ્ટ્રના અન્ય શ્રેષ્ઠ કેન્દ્રો સાથે ખભેખભા મિલાવીને ઉભા છે. આરોગ્ય તંત્રની વિશિષ્ટ કામગીરી અને વહીવટી તંત્રના પીપલ ફર્સ્ટ અભિગમ સાથે મોરબી જિલ્લાના છેવાડાના માનવી સુધી આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પહોંચી છે.

આ ઐતિહાસિક સફળતા બદલ જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા તમામ તબીબો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લાના વધુમાં વધુ કેન્દ્રો આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન મેળવે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ આ સફળતાનું શ્રેય સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત કર્મચારીઓની મહેનતને આપ્યું હતું. આ અવસરે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરઓની ટીમને પણ બિરદાવવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW