મોરબી શહેરમાં ફૂડ સેફટી અંગે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નેહરુ ગેટ નાસ્તા ગલી તથા સનાળા રોડ ભક્તિનગર સર્કલ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.
આ ડ્રાઇવ દરમિયાન કુલ 16 ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી, જેમાંથી 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં 8 સર્વેલન્સ સેમ્પલ અને 2 એન્ફોર્સમેન્ટ સેમ્પલનો સમાવેશ થાય છે.
*આ સ્થળોથી લેવામાં આવ્યા નમૂનાઓ*
વિશ્રાંતિ ગૃહ હોટલમાંથી બટાકાનું શાક, ઢોકળીનું શાક અને સેવટમેટાનું શાક
શિવા પાણીપૂરીમાંથી પાણીપુરીનું પાણી
વિશ્વાસ નાસ્તા હાઉસમાંથી બટાકાનું શાક, ભેળ અને મિક્સ ભજીયા
BIGBOSS HOTELમાંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળ
તમામ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જો કોઈ નમૂનો નિષ્ફળ જશે તો FSSAI Act 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રાઇવ દરમિયાન 7 કિલો ચટણી અને 10 લિટર બગડેલું તેલ નાશ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, હોટલોમાં નાસ્તો આપવા માટે ઉપયોગમાં લેવાતા આશરે 15 કિલો છાપેલા ન્યૂઝપેપરનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો.
આ સાથે કુલ 30 પેઢીની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી લાઇસન્સ અને હાઇજીન બાબતે 13 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા વેપારીઓને સ્વચ્છતા અને નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.




