મોરબી શહેરના શનાળા રોડ વિસ્તારમાં સ્થિત ગુ.હા. બોર્ડના મકાનમાંથી પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે કુલ ૧૦૪ બોટલ સહિત રૂ. ૨,૮૯,૮૧૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ ની સુચન અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ ના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન પો.ઇન્સ. આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
આ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો મળી ભાગીદારીમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો એક રહેણાંક મકાનમાં રાખી વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રેડ દરમિયાન આરોપી નંબર (૨)ના મકાનમાંથી ૧૦૪ બોટલનો જથ્થો ઝડપાયો હતો. ઘટનાસ્થળેથી આરોપી નંબર (૧) ધર્મેન્દ્રભાઈ રોહિતભાઈ દેવાયતકા ઝડપાયા હતા, જ્યારે આરોપી નંબર (૨) ઉદયરાજસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર અને આરોપી નંબર (૩) સિદ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તલાશ શરૂ કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




