(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૦૩ ખાતે આજે રાત્રે ભાજપ દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
આ જાહેર સભામાં સાંસદ વિનોદ ચાવડા મુખ્ય ઉપસ્થિત રહી સંબોધન કરશે. સાથે જ મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા સહિતના આગેવાનો હાજર રહી ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંબોધશે.
ભાજપ દ્વારા આ સભા વોર્ડ નં. ૩ના ઉમેદવારો જીગ્નેશ કૈલા, ભુપતભાઈ જારિયા, રમાબેન બોપલિયા અને અર્પિતાબા જાડેજાના સમર્થનમાં યોજાઈ રહી છે. પક્ષ દ્વારા આ સભાને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.
સભા આજે રાત્રે ૮:૩૦ વાગ્યે મહેન્દ્રનગર વિસ્તારમાં મિલન પાર્ક, ક્રાંતિ જ્યોત સોસાયટી પાસે યોજાશે. ભાજપે વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહી આ જાહેર સભાને સફળ બનાવવા અનુરોધ કર્યો છે.




