કલેક્ટરએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટરો, વિવિધ એકમો અને સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરી પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું
પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને આવેલા સામાન્ય નાગરિકો સાથે કલેક્ટરએ સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા; કાયદાકીય સેવાઓ સુગમ બનાવવા તાકીદ
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી અને લોકાભિમુખ રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન’ ની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કાયદાકીય સજ્જતા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થાની સાથે તેમણે ત્યાંની આંતરિક સ્વચ્છતાનું પણ બારીકાઈથી અવલોકન કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત સમયે પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ કે રજૂઆત લખાવવા આવેલા સામાન્ય નાગરિકો સાથે અત્યંત સાહજિકતાથી સંવાદ સાધ્યો હતો. તેમણે અરજદારોના પ્રશ્નો અને મુશ્કેલીઓને રૂબરૂ સાંભળીને નાગરિકોને કચેરીઓમાં યોગ્ય પ્રતિસાદ મળી રહે તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્રને તાકીદ કરી હતી.





