જેતપર ગામના ખેડૂતોના ઉપવાસ આંદોલનને વેજલપર ગામના સરપંચનું સમર્થન
મોરબી તાલુકાના જેતપર ગામે અદાણી કંપની દ્વારા પસાર કરવામાં આવનારી હેવી વિજ લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા ઉપવાસ આંદોલનને હવે વિવિધ વિસ્તારોમાંથી સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ ઉપવાસ છાવણીની મુલાકાત લઈ ખેડૂતોને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું હતું.
સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યું હતું કે ખેડૂતોની જમીન, પર્યાવરણ અને સ્થાનિક લોકોના હિતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. તેમણે ખેડૂતોની માંગણીઓને ન્યાયસંગત ગણાવી સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ ખાતરી આપી હતી.
આ ઉપરાંત સરપંચ હરેશભાઈ કૈલાએ સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો આગામી પાંચ દિવસમાં સરકાર ખેડૂતોના પ્રશ્ને યોગ્ય અને હકારાત્મક નિર્ણય નહીં લે તો તેઓ પોતાના સરપંચ પદેથી રાજીનામું આપી દેશે. તેમના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
જેતપર ગામે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો અદાણી કંપનીની હેવી વિજ લાઇનના વિરોધમાં ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વિજ લાઇનના કારણે ખેતી અને ગ્રામજનોના હિતોને નુકસાન થવાની શક્યતા છે. તેથી પ્રોજેક્ટ અંગે પુનર્વિચાર કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.
સરપંચ હરેશભાઈ કૈલાના સમર્થન અને રાજીનામાની ચીમકી બાદ આ સમગ્ર મુદ્દો વધુ ગરમાયો છે અને હવે સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.





