મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકે એક વર્ષમાં 3000 દર્દીઓની સારવારનો આંક પાર કર્યો
મોરબી: મોરબી શહેરમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી ક્લિનિક આવતીકાલે (26 જૂન) તેની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં ક્લિનિકે 3000થી વધુ દર્દીઓને સફળતાપૂર્વક ફિઝિયોથેરાપી સારવાર આપીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
મોરબીનું આ પ્રથમ ટ્રસ્ટ આધારિત તેમજ કોલેજ સંચાલિત ફિઝિયોથેરાપી ક્લિનિક છે, જ્યાં શહેરમાં સૌથી ઓછી અને પરવડે તેવી ફીમાં ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ક્લિનિકમાં કમર અને ગરદનના દુખાવા, સાંધાની સમસ્યાઓ, સ્ટ્રોક, ન્યુરોલોજીકલ તકલીફો, સ્પોર્ટ્સ ઇન્જરી સહિત વિવિધ શારીરિક સમસ્યાઓ માટે આધુનિક ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે.
ક્લિનિકની સ્થાપના અને વિકાસમાં શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રસાદ ગોરિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના માર્ગદર્શન અને સહયોગના કારણે આ સેવા પ્રવૃત્તિ સતત સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
આ સિદ્ધિ પાછળ ડૉ. ખ્યાતિ પરમાર, ડૉ. હિરલ જાદવાણી, ડૉ. ધ્વનિ નિમાવત, ડૉ. પ્રાપ્તિ ગજેરા, ડૉ. શિવાની જીવાણી, ડૉ. પ્રતિક દેસાઈ, ડૉ. નિધિ વર્મોરા, ડૉ. ભક્તિ અંબાસણા તથા ડૉ. દિક્ષિતા વોરા સહિતના તબીબોની સેવાઓ અને સમર્પણ નોંધપાત્ર રહ્યું છે.
ક્લિનિકના સંચાલકોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ મોરબીના નાગરિકોને સસ્તી,અને ગુણવત્તાસભર અને આધુનિક ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવી આરોગ્ય ક્ષેત્રે વધુ યોગદાન આપવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે.


