મોરબી, તા. 28 જુલાઈ 2026 : “Let’s Break It Down” થીમ હેઠળ વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સીડીએચઓ ડૉ. પી. કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડૉ. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ જોશીએ હિપેટાઇટિસ-બી અને હિપેટાઇટિસ-સી સહિત HIV/AIDS, સિફિલિસ, ટીબી અને કુષ્ઠરોગ (લેપ્રસી) અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે હિપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના લક્ષણો, બચાવના ઉપાયો, રસીકરણનું મહત્વ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ સારવાર અને સેવાઓ અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી IEC (Information, Education and Communication) સામગ્રીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઉપસ્થિત લોકોને વિવિધ ચેપી રોગો અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હિપેટાઇટિસ અંગે જનજાગૃતિ વધારવાનો, સમયસર તપાસ અને સારવાર માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. ઉપસ્થિત લાભાર્થીઓએ કાર્યક્રમને ઉપયોગી ગણાવી આરોગ્ય સંબંધિત માહિતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.


