મોરબી, તા. 1 ઓગસ્ટ: પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી, રાજકોટના માર્ગદર્શન અને વડપણ હેઠળ તથા પીજીવીસીએલ વર્તુળ કચેરી, મોરબીના યજમાન પદે તા. 1 અને 2 ઓગસ્ટ, 2026 દરમિયાન આંતર વર્તુળ કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શનિવારે તા. 1 ઓગસ્ટના રોજ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ. એમ. ભોજાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતનું મહત્વ, કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ તેમજ પરસ્પર સહકારની ભાવના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બે દિવસીય સ્પર્ધામાં પીજીવીસીએલની 13 વિવિધ કચેરીઓના કુલ 75 પુરુષ અને મહિલા કર્મચારી ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાનું આયોજન મોરબી સ્થિત હોટેલ Jewel’D Suite ખાતે કરવામાં આવ્યું છે.
આંતર વર્તુળ કેરમ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવી તેમજ પરસ્પર એકતા, સૌહાર્દ અને ટીમવર્કને વધુ મજબૂત બનાવવાનો છે.
પીજીવીસીએલ દ્વારા સમયાંતરે આવા રમતગમતના કાર્યક્રમો યોજીને કર્મચારીઓના સર્વાંગી વિકાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


