એલસીબી મોરબીએ મધ્યપ્રદેશની ગેંગના બે આરોપીઓને ચોરાયેલા સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યા
મોરબી તાલુકાના આંદરણા ગામે થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) મોરબીએ ગણતરીના દિવસોમાં ઉકેલી મધ્યપ્રદેશની ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનો નં. 1447/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(4) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આંદરણા ગામના રહેવાસી કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાના બંધ મકાનમાં 17 જુલાઈની રાત્રિથી 18 જુલાઈની સવારે વચ્ચે અજાણ્યા શખ્સોએ દરવાજાના નકુચા તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લોખંડના કબાટના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને એક ઘડિયાળ સહિત કુલ અંદાજે ₹7,36,900ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી મોરબીની ટીમને ગુનાનો ભેદ ઉકેલવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને પરપ્રાંતિય મજૂરોની ચકાસણી સહિત વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે વાંકાનેર રોડ પર નવા બની રહેલા કારખાનાઓ પાસે ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા બે શંકાસ્પદ પરપ્રાંતિય મજૂરોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન બંને પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.
આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેમણે અન્ય ત્રણ સાગરિતો સાથે મળી કુલ પાંચ જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંનેને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.


