નવા ધરમપુરના બાળકો તંત્રના પાપે ભણતરથી વંચિત!

Advertisement
Advertisement
Advertisement

ધરમપુર પાસે બની રહેલા પુલના ડાયવર્ઝન બે વખત તૂટી જતાં સ્થિતિ યથાવત્ — જૂના ધરમપુરમાં અભ્યાસ કરતા ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે અવરજવરનો ગંભીર પ્રશ્ન

મોરબી: મોરબી તાલુકાના નવા ધરમપુર ગામના બાળકોના શિક્ષણને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. નવા ધરમપુર અને જૂના ધરમપુર વચ્ચે આવેલા નાળાનું રિપેરિંગ સમયસર ન થતા હાલ અવરજવરનો માર્ગ બંધ જેવી સ્થિતિમાં છે. જેના કારણે નવા ધરમપુરના ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જૂના ધરમપુર અને ટીંબડી ખાતે શાળાએ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધરમપુર પાસે પુલનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલું ડાયવર્ઝન અગાઉ બે વખત તૂટી ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં ન આવતા હાલ સ્થિતિ ‘જૈસે થે’ જેવી બની ગઈ છે. નાળાનું રિપેરિંગ નહીં થતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર

નવા ધરમપુરના વિદ્યાર્થીઓને ધોરણ ૬થી ૮ના અભ્યાસ માટે જૂના ધરમપુર અને ટીંબડી પ્રા. જવું પડે છે. પરંતુ રસ્તો અને નાળાની સ્થિતિના કારણે વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વરસાદી માહોલમાં સ્થિતિ વધુ ગંભીર બની જતી હોવાથી વાલીઓમાં પણ બાળકોની સલામતી અને અભ્યાસને લઈને ચિંતા જોવા મળી રહી છે.

એક તરફ સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મૂળભૂત રસ્તા અને અવરજવરની સુવિધાના અભાવે બાળકો શાળાએ જ ન પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાય તો જવાબદારી કોની? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

‘નાળું ક્યારે બનશે?’ — ગ્રામજનોનો સવાલ

સ્થાનિકોનું કહેવું છે કે પુલનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી વૈકલ્પિક અને સુરક્ષિત અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. વારંવાર ડાયવર્ઝન તૂટી જવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન લાવવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે નાળાનું રિપેરિંગ ક્યારે થશે અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ ક્યારે જઈ શકશે?

તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ

નવા ધરમપુરના બાળકોના ભવિષ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સ્થળનું નિરીક્ષણ કરી નાળાનું રિપેરિંગ તથા સુરક્ષિત અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાલીઓની માંગ છે.

જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી શાળાથી દૂર રહેવાની ફરજ પડે તો તેમના શિક્ષણ પર ગંભીર અસર પડી શકે છે. ત્યારે મોરબી તંત્ર બાળકોનું ભવિષ્ય બચાવવા નાળાનું રિપેરિંગ કરશે કે પછી વિદ્યાર્થીઓ ભણતરથી વંચિત રહેશે? તેવા ધગધગતા સવાલો હાલ ઉઠી રહ્યા છે.

(અહેવાલ: મયંક દેવમુરારી)

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW