મોરબી તાલુકા પોલીસની ટીમે બે ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે પરપ્રાંતીય મજૂરોને છરી જેવા હથિયાર બતાવી મોતનો ભય ઉભો કરી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવતી તેમજ લેબર ક્વાર્ટરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈ બંને ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
મળતી માહિતી મુજબ, તા. 27 ઓગસ્ટ 2026ના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના સમયે મોરબી તાલુકાના ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર ફરિયાદી તથા સાહેદોને ત્રણ અજાણ્યા શખ્સોએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ભય બતાવી બળજબરીપૂર્વક બે મોબાઇલ ફોન, જેની કિંમત આશરે રૂ.10,000 હતી, તેમજ રોકડા રૂ.1,000 મળી કુલ રૂ.11,000ની લૂંટ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મોરબી તાલુકાના રંગપર-જીવાપર ગામ તરફ જતા રોડ પાસે આવેલા લુપ્ટેન સીરામીકના લેબર ક્વાર્ટરમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે ચોરીના ઇરાદે પ્રવેશ કરી અલગ-અલગ ક્વાર્ટરમાંથી વિવિધ કંપનીના કુલ 7 મોબાઇલ ફોન, જેની કિંમત આશરે રૂ.29,000 હતી, ચોરી કરી લીધા હતા. આ બનાવ અંગે પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બંને ગુનાઓ વણશોધાયેલા હોવાથી મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તથા એ/02 બીટના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેલા (રં) ગામથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર 66 કેવી સબ સ્ટેશનથી આગળ આવેલા પુલિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં બંને ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે તા. 29 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 01:20 વાગ્યે ત્રણેય આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ
1. વિકાસભાઈ અનિલભાઈ લોરીયા
રહે. ઇન્દિરાનગર, સામાકાંઠે, મોરબી. મૂળ કોટડાનાયાણી, તા. વાંકાનેર, જી. મોરબી.
2. ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ
રહે. ઇન્દિરાનગર, ખોડિયાર માંના મંદિર સામે, મોરબી-2.
3. ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા
રહે. સામાકાંઠે, ઇન્દિરાનગર, રામાપીર મંદિર પાસે, મોરબી. મૂળ મહેન્દ્રનગર, જી. મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
1) કુલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ -૧૨ કિ.રૂ.૫૪૦૦૦ /-
2) એક તીક્ષ્ણ અણીદાર છરી નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦
3) રોકડા રૂપિયા ૧૦૦૦/-
4) એક એકસેસ મો.સા. રજીસ્ટ્રેશન નંબર GJ 36 AQ 1165 કિ.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૭૫૦૦૦/-
મોરબી તાલુકા પોલીસે બંને ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી લેતા વધુ ચોરી કે લૂંટના ગુનાઓમાં સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


