ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એન્ડ બોયઝના ધોરણ ૬ થી ૧૨ ના બાળકોને શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે અપાયું પ્રેરણાદાયી માર્ગદર્શન
બાળકોએ જિલ્લા સેવા સદનની ૩૬ કચેરીઓ/શાખાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ સરકારી કામગીરીની પદ્ધતિ અને યોજનાઓ વિશે મેળવી જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂરા થવા પર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા સેવા સદન ખાતે આજે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તથા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતા કુલ ૧૨૬ બાળકોએ ભાગ લઈ જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આયોજિત આ સંવાદ કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, અહીં વહીવટી તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી પ્રેરણા લઈને તમે પણ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરો અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી આગળ વધો. વધુમાં તેમણે બાળકોને વહીવટી માળખા, શિક્ષણ તથા કૌશલ્યલક્ષી વિકાસનું મહત્વ સમજાવી જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરી પ્રગતિ કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બાળકોને પ્રેમથી આવકાર્યા હતા. તેમણે બાળકો સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો.
સંવાદ બાદ બાળકોએ ઉત્સાહભેર જિલ્લા સેવા સદન સ્થિત વિવિધ ૩૬ જેટલી સરકારી કચેરીઓ અને શાખાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોએ સરકારી કામગીરીની પદ્ધતિ, સેવાઓ, પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગની કામગીરી અંગે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.


