ચોરીના જીરું સહિત કુલ રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓને ઝડપી પાડતી મોરબી LCB
મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી થયેલી જીરું ચોરીનો મોરબી LCB પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ચોરીના જીરું તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.12,77,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાં ફરિયાદીના ચાર ભાઇઓની સંયુક્ત ખેતીની ઉપજના જીરાના કુલ 102 બાચકા રાખવામાં આવ્યા હતા. જેમાં આશરે 280 મણ જીરું, જેની કિંમત રૂ.10,64,000 જેટલી હતી, તેમાંથી અજાણ્યા શખ્સોએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીનો ગુનો વણશોધાયેલ હોવાથી તેની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક, મોરબી દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા LCBને સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે LCB મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ LCB તથા પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી-ચરાડવા-હળવદ રોડ ઉપર ITI સામે GEB સબ સ્ટેશન પાછળ દેવીપૂજકના ઝુંપડા નજીકથી ચાર શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
1. સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી, રહે. મોરબી, મૂળ રહે. મોટાકાજલીયાળા, જી. જુનાગઢ.
2. સુનિલ મુકેશભાઇ સોલંકી, રહે. મોરબી, મૂળ રહે. દેવળીયા, તા.જી. અમરેલી.
3. ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઇ વિરમગામીયા, રહે. સરધાર, તા.જી. રાજકોટ.
4. રાહુલ વિજયભાઇ દસકીયા, રહે. મોરબી, મૂળ રહે. માધાપર (શામપર), તા. જોડીયા, જી. જામનગર.
પકડવાના બાકી આરોપીઓ:
અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઇ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો તથા વાઘજી નામનો શખ્સ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કબજે કરાયેલ મુદ્દામાલ:
• જીરાના 92 બાચકા, વજન 231 મણ, કિંમત રૂ.8,77,800
• બોલેરો મેક્સી ટ્રક પ્લસ, સફેદ કલર, નં. GJ-17-UU-5175, કિંમત રૂ.4,00,000
• એક તાલપત્રી
આમ, પોલીસે કુલ રૂ.12,77,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ચારેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


