મોરબી તાલુકાની ખેવાળીયા પ્રાથમિક શાળાના શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા શાળાના વિકાસ માટે ૧૦૦ ટકા અનુદાન આપવાની સહમતિ દર્શાવવામાં આવી હતી.
આ અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ સંસ્થાને પત્ર પાઠવી MOU અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કામગીરીને આગળ ધપાવવામાં આવી હતી.
જેના ભાગરૂપે તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત મોરબી તાલુકાની ખેવાળીયા પ્રાથમિક શાળાના કુલ ૧૨ નવા ઓરડાઓ, કોમ્પ્યુટર લેબ તથા સેનિટેશન સહિતની સુવિધાઓનું નિર્માણ સંસ્થાના ૧૦૦ ટકા અનુદાનથી કરવા માટે સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી વચ્ચે MOU કરવામાં આવ્યું.
આ પહેલથી ખેવાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને આધુનિક શૈક્ષણિક માળખું ઉપલબ્ધ થશે. શાળાના ભૌતિક તેમજ શૈક્ષણિક વિકાસને વેગ મળતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ મળી રહેશે.


