મોરબીના રફાળેશ્વરમાં મકાનમાંથી 1.345 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એક ઇસમની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

એસ.ઓ.જી. ટીમની કાર્યવાહી: ગાંજો, રોકડ, મોબાઇલ અને ઇલેક્ટ્રિક વજનકાંટા સહિત ₹73,150નો મુદ્દામાલ કબજે

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ (કચ્છ) તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ગેરકાયદેસર નાર્કોટિક્સ માદક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા એસ.ઓ.જી. ટીમને સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે રફાળેશ્વર ગામે રહેતો દીપકભાઈ ડાયાભાઈ ભંખોડિયા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.

આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે જણાવેલ સ્થળે દરોડો પાડતાં દીપકભાઈ ડાયાભાઈ ભંખોડિયા (ઉંમર વર્ષ 39), રહે. રફાળેશ્વર, તા.જી. મોરબી, મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે કુલ ₹73,150નો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં 1 કિલો 345 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹67,250 થાય છે, ગાંજાના વેચાણમાંથી મેળવેલા ₹700 રોકડા, આશરે ₹5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન અને ₹200ની કિંમતનો એક ઇલેક્ટ્રિક વજનકાંટો મળી કુલ ₹73,150નો મુદ્દામાલ સામેલ છે.

આ મામલે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(B)(2-B) અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે કેસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW