ઘરેઘરે જઈ પાણીના પાત્રોની ચકાસણી, મચ્છરના પોરાનો ઉપદ્રવ અટકાવવા એબેટ કામગીરી હાથ ધરાઈ; નાગરિકોને તકેદારી રાખવા અપીલ
મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રોહિદાસપરા, રણછોડનગર, અમૃતપાર્ક, વજેપર સહિતના વિસ્તારોમાં ઘર મુલાકાત લઈને પાણી ભરેલાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે સમયગેટ પાસે, રબારીવાસ, એવન્યુ પાર્ક અને પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં આવેલા વોકળાઓમાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને સાંજના સમયે વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
મચ્છરજન્ય રોગોથી બચવા નાગરિકોને અપીલ
મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ઘર વપરાશનાં પાણીનાં પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવાં, પક્ષીકુંડ અને ફૂલદાની સહિતનાં પાત્રોને દર અઠવાડિયે ઘસીને સાફ કરી સુકવવાં તથા મકાનની છત પર પાણી ભરાઈ શકે તેવા બિનજરૂરી ટાયર, ખાલી ડબ્બા અને અન્ય પાત્રોનો નિકાલ કરવો જરૂરી છે.
આ ઉપરાંત સાંજના સમયે બારી-બારણાં બંધ રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા, મચ્છર કરડવાથી બચવા આખું શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવા અને ઘરની આસપાસ ભરાયેલું બંધિયાર પાણી વહેતું કરી દેવા જેવી તકેદારી રાખવી જોઈએ.
તાવનાં લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સમયસર સારવાર લેવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે મહાનગરપાલિકાની કામગીરીની સાથે નાગરિકોનો સહયોગ પણ અત્યંત જરૂરી છે.


