સૌરાષ્ટ્રની પુણ્યશાળી ધરતી પર ગૌસેવા, ધર્મ અને સંસ્કૃતિના કાર્યો હંમેશા અગ્રેસર રહ્યા છે. આ જ પરંપરાને આગળ ધપાવતાં ટંકારા તાલુકાના વીરપર ગામે નિરાધાર, અશક્ત અને વૃદ્ધ ગૌવંશના રક્ષણ તથા નિભાવ અર્થે એક ભવ્ય અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વીરપર ગામ સમસ્ત તથા શ્રી વીરપર ગૌશાળા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ગૌશાળાના આર્થિક સહયોગાર્થે સોરઠની અમર પ્રેમ અને શૌર્યગાથા રજૂ કરતું ઐતિહાસિક નાટક ‘વીર માંગડાવાળો’ (યાને ભૂત રોવે ભયંકર) ભજવવામાં આવશે.
તારીખ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર – સમય: રાત્રે ૧૦:૦૦ કલાકે સ્થળ: શ્રી વીરપર ગૌશાળા ગ્રાઉન્ડ, મુ. વીરપર, તા. ટંકારા આયોજક સમસ્ત વીરપર ગ્રામજનો તથા વીરપર ગૌશાળા યુવક મંડળ
આજના આધુનિક યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકસાહિત્યના પાત્રો જીવંત રહે તેમજ સમાજમાં જીવદયા અને ગૌરક્ષાની ભાવના પ્રબળ બને તેવા શુભ આશયથી આ નાટ્ય પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના ઉત્સાહી યુવાનો દ્વારા દિવસ-રાત તનતોડ મહેનત કરી આ નાટક માટે સુંદર સેટિંગ, વસ્ત્રપરિધાન અને સંવાદોની પૂર્વતૈયારીઓ કરવામાં આવી રહી છે. નાટક દ્વારા એકત્ર થનારી તમામ રકમ ગૌશાળામાં રહેતી ગાયોના ઘાસચારા, પીવાના પાણી અને આરોગ્યલક્ષી સારવારના ખર્ચ માટે વાપરવામાં આવશે.
વીરપર ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સર્વે ધર્મપ્રેમી જનતા, વડીલો, માતા-બહેનો તેમજ ગૌભક્તોને આ પાવન ગૌસેવા યજ્ઞમાં સહભાગી બનવા અને કલાકારોનો ઉત્સાહ વધારવા સમયસર પધારવા વીરપર ગામ સમસ્ત અને ગૌશાળા યુવક મંડળ તરફથી હૃદયપૂર્વકનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.”ગૌમાતાની સેવા કરવી એ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય આધારસ્તંભ છે. આવો, સૌ સાથે મળીને ગૌમાતાના સંરક્ષણ કાજે આપણું યોગદાન આપીએ.”



