Saturday, May 24, 2025

ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલ

Advertisement
Advertisement
Advertisement

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મતદારોથી લઈ રાજકીય પક્ષોના ઉમેદવાર સહિતના હિતધારકોને સ્પર્શતી વિવિધ બાબતોનો સમાવેશ

વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સર્વસમાવેશી ચૂંટણીઓ યોજાય તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા તથા તેની સાથે જોડાયેલા તમામ હિતધારકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા સુનિશ્વિત થાય તે માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચે છેલ્લા માત્ર ત્રણ જ મહિનામાં 18 જેટલી વિવિધ પહેલ દ્વારા જનસામાન્યને તેની સંનિષ્ઠ કામગીરીની પ્રતિતિ કરાવી છે.

લોકશાહી વ્યવસ્થાના આધારસ્તંભ સમા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરતાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. એક મતદાન મથક પર મહત્તમ 1200 થી વધુ મતદારો થાય તો અલગ મતદાન મથકની વ્યવસ્થા કરવા ઉપરાંત હાઈરાઈઝ બિલ્ડીંગ્સ અને કૉલોનીમાં મતદાન મથકો ઉભા કરવામાં આવશે, જેના કારણે મતદારો ઘરના નજીકના સ્થળે મતદાન કરી શકશે. મતદારોની સરળતા માટે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવતી મતદાર કાપલીમાં મતદારનો ક્રમાંક અને મતદાર વિભાગ વધુ સ્પષ્ટતાથી જોઈ શકાય તે રીતે દર્શાવવામાં આવશે. વધુમાં, રજીસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયા પાસેથી અવસાન પામેલા મતદારોની વિગતો મેળવી તેની ખરાઈ કર્યા બાદ મતદાર યાદીમાંથી આવા મતદારોનું નામ કમી કરવાથી મતદારયાદીને ક્ષતિરહિત બનાવવામાં મદદ મળશે.

ચૂંટણી પ્રક્રિયાથી રાજકીય પક્ષો મતદારોનું પ્રતિનિધિત્વ મેળવે છે ત્યારે ભારતના ચૂંટણી તંત્રના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ તેમની કક્ષાએ કુલ 4,791 જેટલી બેઠકો યોજી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના 27,000 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના પ્રમુખો સાથે બેઠકો યોજવામાં આવી હતી. ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા બુથ પર નિયુક્ત કરાયેલા બુથ લેવલ એજન્ટ્સના ક્ષમતાવર્ધન માટે IIIDEM દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં બિહાર, તમિલનાડુ અને પોંડીચેરીના બુથ લેવલ એજન્ટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટૅક્નોલોજીના વિકાસ સાથે સુસંગત અને વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય તેવા 40 થી વધુ ઍપ્લિકેશન્સ અને વેબસાઈટને સમાવતું ECINET ડેશબોર્ડ પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ નવી અમલમાં મૂકવામાં આવેલી વ્યવસ્થાથી મતદાર ઓળખપત્રને યુનિક નંબર આપવામાં આવશે જેનાથી મતદાર ઓળખ કાર્ડનું ડુપ્લિકેશન રોકી શકાશે. આ નવીન વ્યવસ્થા મતદાર યાદીની ક્ષતિરહિતતા અને પારદર્શિતાને સુદ્રઢ કરવામાં મદદરૂપ થશે.

લોકપ્રતિનિધિત્વ ધારો-1950 અને 1951, મતદાર નોંધણી અધિનિયમ-1960, ચૂંટણી સંચાલન નિયમો-1961 મુજબ મતદાર યાદી તૈયાર કરવાથી લઈ જનપ્રતિનિધિની ચૂંટણી પૂર્ણ થવા સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદારો, ચૂંટણી સંચાલન કરતાં અધિકારીઓ-કર્મચારીઓ, ઉમેદવારો અને રાજકીય પક્ષો સહિતના 28 જેટલા હિતધારકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં તમામની સહભાગીતા સુનિશ્ચિત કરવા આ તમામ હિતધારકો માટે ઉક્ત કાયદાઓ અને નિયમોના પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે તેમને વિવિધ સુચનાઓ પણ આપવામાં આવે છે.

ચૂંટણી પ્રક્રિયાના નિયમાનુસાર અને સુચારૂ સંચાલન માટે ચૂંટણીમાં ફરજ બજાવતા અને તેને સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય તાલીમ દ્વારા તેમનું ક્ષમતાવર્ધન મહત્વનું સાબિત થાય છે. આ બાબતને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા IIIDEM દિલ્હી ખાતે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ચૂંટણી તંત્રના પાયાના કર્મચારીઓ અને ફૂટ સોલ્જર્સ ઑફ ઈલેક્શન તરીકે ઓળખાતા 3,000 જેટલા બુથ લેવલ ઑફિસર્સને તાલીમ આપવામાં આવી છે. આગામી વર્ષોમાં દેશભરના કુલ 01 લાખથી વધુ બુથ લેવલ ઑફિસર્સને તાલીમબદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બિહાર રાજ્યના પોલીસ ઑફિસર્સને પણ IIIDEM દિલ્હી ખાતે તાલીમ આપવામાં આવી હતી.

જનપ્રતિનિધિઓની ચૂંટણી માટે હાથ ધરવામાં આવતી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય તે માટે માધ્યમોની મહત્વની ભૂમિકાને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના મીડિયા નોડલ ઑફિસર્સ અને સોશિયલ મીડિયા નોડલ ઑફિસર્સ માટે ઑરિએન્ટેશન પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યા હતા.

સમગ્ર દેશની વિવિધ ચૂંટણીઓનું સંચાલન જ્યાંથી થાય છે તેવા નવી દિલ્હી ખાતેના ભારતના ચૂંટણી પંચના મુખ્યાલયની વ્યવસ્થાઓને પણ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી દ્વારા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. જે અંતર્ગત હાજરી માટેની બાયોમેટ્રીક સિસ્ટમ દાખલ કરવા ઉપરાંત કાર્યવ્યવસ્થાને વધુ સુગમ બનાવવા E-Office નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. દેશના તમામ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ સાથે સમયાંતરે નિયમિત રીતે બેઠકો યોજી મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી દ્વારા વિવિધ મુદ્દે સુચનાઓ તથા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW