(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી ઘટક–૨ના ઘૂટું સેજાના નીચી માંડલ–૧ આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળક વેદ હિતેષભાઈ કુંડારીયા (ઉંમર માત્ર ૪ વર્ષ) એ પોતાની અનોખી તબલાવાદનની પ્રતિભાથી સૌને ચકિત કર્યા છે. માત્ર નાની ઉંમરે તબલામાં દર્શાવેલી અસાધારણ કળા બદલ ૭૭મા પ્રજાસત્તાક પર્વના અવસરે વેદનું વિશેષ સન્માન ગ્રામ મામલતદાર સી.આર નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન વેદ દ્વારા રજૂ કરાયેલ તબલાવાદનને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો તથા ગ્રામજનોએ ઉત્સાહભર્યા તાળીઓથી બિરદાવ્યું હતું. નાની ઉંમરે સંગીત પ્રત્યેની લગન અને તાલબદ્ધતા જોઈ સૌ આશ્ચર્યચકિત બન્યા હતા.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકરો, સ્થાનિક આગેવાનો તથા વાલીઓએ વેદના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને આવા પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. વેદની આ સિદ્ધિ સમગ્ર ઘૂટું સેજા તેમજ મોરબી ઘટક–૨ માટે ગૌરવની બાબત બની છે.




