Monday, March 9, 2026

મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું

Advertisement
Advertisement
Advertisement

વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું થયું સન્માન

“વૈશ્વિક સ્તરે સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં મહિલાઓનું અનન્ય યોગદાન”
– જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પટેલ સમાજની વાડી, સનાળા ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન થયું હતું.

આ સંમેલનમાં મોરબી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.

આ તકે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીએ ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, મહિલાઓની માતા, દીકરી, સાસુ સહિતની અનેક ભૂમિકા છે. તે જ ઘરને સ્વર્ગ બનાવે છે. તે વધતા જતા વૃદ્ધાશ્રમોને ઓછા કરી શકે છે. માતા એ સૃષ્ટિનું સર્જન છે, ત્યારે તેનું સન્માન થવું જ જોઈએ. આજે વિશ્વની અંદર સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં મહિલાઓનું મહત્વનું યોગદાન રહેલું છે. સરકાર દ્વારા મહિલાઓને વિવિધ ક્ષેત્રે ૩૩ ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામત આપવામાં આવી છે. સત્તામાં મહિલાઓની ભાગીદારી એ નારી સશક્તિકરણના ક્ષેત્રે પ્રગતિ દર્શાવે છે. સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અને વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવે છે.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં આપણે નારી શક્તિની પૂજા કરતા આવ્યા છીએ. દેશની આઝાદી માટે પણ અનેક મહિલાઓ લડી હતી. મોરબી જિલ્લામાં અનેક અધિકારીઓ મહિલા છે તે ગૌરવની વાત છે.

જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કહ્યું હતું કે, આપણી પરંપરામાં નારીનું સન્માન થતું જ આવ્યું છે. આપણે ત્યાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પૂજા કરીએ છીએ. આપણે સામાજિક કુરિવાજોમાંથી બહાર આવી દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ. મહિલાઓ પુરુષોને ખૂબ સન્માન આપે છે તેવી અપેક્ષા પુરુષો પાસે પણ હોવી જ જોઈએ. કામ કરતી મહિલાઓ ઘર પણ સંભાળે છે અને બેવડી જવાબદારીઓ નિભાવે છે. સાસુ-વહુના કિસ્સામાં આપણે ત્યાં એક સ્ત્રી બીજી સ્ત્રીને સન્માન આપે તે પણ ખૂબ જરૂરી છે. દીકરાની તુલનાએ દીકરીનો જન્મદર ઓછો હોય સામાજિક સમતુલા જાળવી રાખવા દીકરી જન્મને પ્રોત્સાહન આપવું જોઈએ. દીકરીઓને અભ્યાસમાંથી ઉઠાવી ન લેવી જોઈએ અને ઉચ્ચ શિક્ષણની સાથે તેમનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઠવીએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધે તે જરૂરી છે. પુરુષ કરતા મહિલાઓમાં વાત્સલ્ય, સેવા અને માનવીય અભિગમ વધુ હોય છે, એટલે જ પ્રકૃતિએ બાળ ઉછેરની જવાબદારી મહિલાઓને આપી છે.

મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત દ્વારા કરાયું હતું. કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. સરકારની યોજનાઓના અગાઉના લાભાર્થીઓએ યોજનાના લાભ બાદ મળેલી સફળતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે કાર્યક્રમ સ્થળે મહિલાઓને વિવિધ યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરવા લીડ બેંક સખી મંડળ આરોગ્ય વિભાગ સહિત વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા.

આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, સીડીએચઓ ડો. પવનકુમાર શ્રીવાસ્તવ, મહિલા બાળ અધિકારી જલ્પા ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર મયુરી ઉપાધ્યાય, પોલીસ ઇન્સ્પેક્ટર પી. એચ. લગધીરકા, દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળા તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW