મોરબી જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ફરીયાદીઓને ચોરી થયેલા દાગીના અને મોબાઇલ મળી કુલ રૂ. 27,42,392 નો મુદામાલ પરત સોંપવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, એક ફરીયાદી બહારગામ ગયા હતા તે દરમિયાન અજાણ્યા આરોપીએ તેમના બંધ રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાં રાખેલી તીજોરી અને કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન એલ.સી.બી. પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 26,04,105 નો મુદામાલ કબજે કર્યો હતો. બાદમાં ટંકારા કોર્ટના આદેશ મુજબ આ મુદામાલ ફરીયાદીને પરત સોંપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા અલગ-અલગ અરજદારોના કુલ 7 મોબાઇલ ફોન, જેની કિંમત રૂ. 1,38,287 થાય છે, તે પણ તેમના માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
આ રીતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ. 27,42,392 નો મુદામાલ ફરીયાદીઓને પરત આપવામાં આવ્યો હતો.





