મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમ વિસ્તારમાં બનેલા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો વાંકાનેર તાલુકા પોલીસે સફળ ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ ભેરડા ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા મિનરલ્સ નામના ગળદા બેલા પથ્થર પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા ચોરોએ તાળા તોડી પ્રવેશ કરી અંદર રાખેલ ૦૬ એમ.એમ પટ્ટી કેબલ વાયર અંદાજે ૮૦૦ મીટર કિંમત રૂ. ૧,૮૬,૪૦૦ તથા પાવર પ્લાયના ૮ સ્ટેટર કિંમત રૂ. ૮,૦૦૦ મળી કુલ રૂ. ૧,૯૪,૪૦૦નો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપી વાસુદેવભાઈ રમેશભાઈ દેગામ (ઉ.વ.૨૩) રહેવાસી મકનસર, મનજીભાઈ ઉર્ફે શક્તિભાઈ મંગાભાઈ થરેસા (ઉ.વ.૩૦) રહેવાસી મકનસર, કનૈયાલાલ મગનલાલજી રેગર રહેવાસી વાંકાનેર તથા ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (ઉ.વ.૫૫) રહેવાસી વાંકાનેરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





