મોરબી મહાનગરપાલિકા દ્વારા મંજૂર તથા અમલી વિકાસ યોજનામાં વિકાસ પરવાનગી અને ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અનધિકૃત બાંધકામોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અનુસંધાને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધી મળેલ તમામ અરજીઓનું નિયમો મુજબ ટેકનિકલ ચકાસણી કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન જરૂરી માપદંડ પૂર્ણ કરતી અરજીઓ પર નિયમસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ મુજબ હાલની વિકાસ યોજના વિસ્તારમાં મળેલ અરજીઓમાંથી કુલ 124 અનધિકૃત બાંધકામોને નિયમિત કરવાની અરજીઓને મંજૂરી આપી રેગ્યુલરાઇઝ કરવામાં આવ્યા છે.
તદુપરાંત ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગી માટે મળેલ કુલ 50 અરજીઓનું વિગતવાર ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવી છે, જેથી શહેરમાં સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ વિકાસ સુનિશ્ચિત થઈ શકે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં આવનારી અરજીઓ પર પણ પારદર્શક રીતે કાર્યવાહી કરવામાં આવશે અને તમામ અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.





