મોરબી શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં દરોડો પાડી પરપ્રાંતીય દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે શનાળા બાયપાસ નજીક ગુલાબનગર શેરી નં.૧ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ ત્રણ વાહનોમાંથી કુલ નંગ-૯૯૨૪ દારૂની બોટલો (કિંમત રૂ. ૫૦,૩૮,૮૦૦/-) ઝડપી પાડી હતી. ઉપરાંત ત્રણ વાહનો (રૂ. ૭,૦૦,૦૦૦/-) અને એક મોબાઇલ ફોન (રૂ. ૫,૦૦૦/-) સહિત કુલ રૂ. ૫૭,૪૩,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી તરીકે
(૧) મુસ્તકીમ ઉર્ફે લાલો વાઘેર (રહે. ગુલાબનગર) ને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે
(૨) નવઘણભાઈ બાંભવા,
(૩) દિવ્યેશભાઈ બાંભવા,
(૪) ઓમાન અશરફભાઈ ધારાણી,
(૫) યુવરાજસિંહ ડોડીયા,
(૬) ભીમશી કોળી
ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.
પોલીસ તપાસ દરમિયાન ત્રણેય વાહનોમાં લીલા કાંતળથી ઢાંકેલા પુઠાના બોક્સમાં દારૂ છુપાવી રાખેલો હતો, જે ચેકિંગ દરમિયાન બહાર આવ્યો હતો.
આ કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે




