ટંકારા PI જે.ડી. ઝાલાનો સપાટો: લાખોનો દારૂ જપ્ત
ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર ટંકારા પોલીસે કડક કામગીરી હાથ ધરીને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મોટી સફળતા મેળવી છે. બંધ બોડી ટ્રકમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂની કુલ ૧૪,૩૫૨ બોટલો સાથે અન્ય મુદામાલ મળી કુલ અંદાજે ₹૫૯,૯૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
આ કાર્યવાહી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સુચનાઓના અનુસંધાને કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે નેકનામ-પડધરી રોડ પર શંકાસ્પદ ટ્રક રોકી તપાસ કરતા, તેમાં ભરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે તરત જ મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
*આરોપીઓ*
LPT 407 બંધ બોડી ટ્રક નંબર GJ-14-Z-6857 નો ચાલક
નવઘણભાઈ મોહનભાઈ બાંભવા, રહે. મોરબી (શનાળા બાયપાસ, તુલસીપાર્ક)
ટંકારા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના કારોબાર સામે કડક સંદેશો ગયો છે અને ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ સક્રિય બની છે.




