મોરબી : કુબેર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું મેયર ટીમે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને દંડક જયેશભાઈ દેસાઈ એક્શન મોડમાં

વોટરલોગિંગ અટકાવવા અને સફાઈ કામગીરીમાં વેગ લાવવા અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને કડક સૂચના

ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મોરબી શહેરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મોરબી મહાનગરપાલિકાની નવી અને યુવા ટીમ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરીજનોને ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુસર મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને દંડક જયેશભાઈ દેસાઈએ શનિવારે કુબેર નવલખી ફાટક નજીક ચાલી રહેલી પ્રી-મોન્સૂન કામગીરીનું અચાનક નિરીક્ષણ કર્યું હતું.

કોઈપણ પૂર્વ સૂચના વિના યોજાયેલી આ સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ વોંકળા સફાઈ, પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ ચાલી રહેલી કામગીરીની ગુણવત્તાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. અચાનક થયેલી મુલાકાતને કારણે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી.

નિરીક્ષણ દરમિયાન પદાધિકારીઓએ ખાસ કરીને ચોમાસામાં કુબેર નવલખી ફાટક અને આસપાસના વિસ્તારોમાં સર્જાતી વોટરલોગિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને વોંકળાની સફાઈ અને ઊંડાઈની કામગીરીની સ્થળ પર ચકાસણી કરી હતી. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તમામ જરૂરી પગલાં યોગ્ય રીતે લેવામાં આવી રહ્યા છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન વોંકળામાંથી કાઢવામાં આવેલો કચરો અને માટી સ્થળ પર જ પડ્યા હોવાનું ધ્યાનમાં આવતા મેયર ઉત્તમભાઈ સુરાણીએ તાત્કાલિક અસરથી તે કચરો ડમ્પિંગ સાઇટ પર ખસેડવા કડક સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વરસાદ શરૂ થયા બાદ આ કચરો ફરીથી પાણીમાં વહી જઈ નિકાલ વ્યવસ્થાને અવરોધે નહીં તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.

આ ઉપરાંત પદાધિકારીઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ પ્રી-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ઢીલાશ સહન કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબીના નાગરિકોની સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક રીતે અમલમાં આવે તે માટે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકાનું તંત્ર રાત-દિવસ કામગીરી કરશે.”

મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આ સરપ્રાઈઝ મુલાકાતને કારણે પ્રી-મોન્સૂન કામગીરીમાં વધુ ઝડપ અને ગુણવત્તા જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW