શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી પારદર્શિતા અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ પર અપાયો ભાર
મોરબી: મોરબી મહાનગરપાલિકા ખાતે આજે શહેરના વિકાસ અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા મેયર ઉત્તમભાઈ સુરાણીએ કરી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પંડસુંબીયા, શાસક પક્ષના નેતા જયેશભાઈ દેસાઈ, દંડક અર્પિતાબા જાડેજા સહિત તમામ કોર્પોરેટરો, મહાનગરપાલિકાના કમિશનર અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના મુદ્દાઓ પર થઈ વિસ્તૃત ચર્ચા
બેઠક દરમિયાન મોરબી શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોર્પોરેશનના પ્રોટોકોલ અને શિસ્તનું ચુસ્ત પાલન, વહીવટી કામગીરીને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવાની દિશામાં પગલાં તેમજ શહેરના ભાવિ વિકાસકાર્યો માટેના રોડમેપ અંગે વિચારણા કરવામાં આવી હતી.
નાગરિક સુવિધા અને પારદર્શિતા પર વિશેષ ભાર
મેયરશ્રી તથા પદાધિકારીઓએ શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા જાળવવા, કામગીરીમાં પારદર્શિતા લાવવા અને નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
‘ટીમ મોરબી’ના સંકલનથી વિકાસને મળશે નવી દિશા
બેઠકમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ મોરબીના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે એક ટીમ તરીકે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે ઉત્તમ સંકલન સાથે શહેરના વિકાસકાર્યોને ગતિ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
શહેરના વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરશે: મેયર
બેઠકના અંતે શહેરના વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે મહાનગરપાલિકાના તમામ વિભાગો સુમેળભર્યા વાતાવરણમાં કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. “ટીમ મોરબી”ના સંકલિત પ્રયાસોથી શહેરને વિકાસની નવી દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




