રાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત મોરબી જિલ્લાની સહકારી બેંક, દૂધ સંઘો અને એ.પી.એમ.સી. પરિસરમાં ઉત્સાહભેર કરાયું વૃક્ષારોપણ
દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિઓને નવી ઊર્જા આપવા માટે પ્રસ્થાપિત કરાયેલી “સહકાર થી સમૃદ્ધિ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અભિયાનમાં જિલ્લાની સહકારી સંસ્થાઓએ પર્યાવરણ સંવર્ધન માટે ઉત્સાહ દાખવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં કાર્યરત વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના પરિસરમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં સહકારિતાનો સંદેશ પહોંચાડવા અને સહકારી ક્ષેત્રના માધ્યમથી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધવાના મુખ્ય હેતુ સાથે આ સઘન વૃક્ષારોપણ અભિયાન યોજાયો હતો તેવું મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.


