ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ મોડ પર: કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયી સમીક્ષા બેઠક

Advertisement
Advertisement
Advertisement

આગામી ૩ ઓગસ્ટ સુધી ભારે પવન અને ભારે વરસાદની સંભાવના વચ્ચે જરૂર પડ્યે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકો અને પશુઓનું તાકીદે સ્થળાંતર કરવા આદેશ

જિલ્લામાં શેલ્ટર હોમ, રેસ્ક્યુ ટીમો, મેડિકલ અને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમની કામગીરી સજ્જ: લોકોને સચેત રહેવા અનુરોધ

રાજ્યભરમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આગામી ૩ ઓગસ્ટ સુધી વાવાઝોડા જેવા તેજ પવન અને ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અન્વયે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે ના અધ્યક્ષસ્થાને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ તમામ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી હતી. વરસાદી સિસ્ટમ સતત તીવ્ર બની રહી હોવાથી નદીકાંઠા અને નીચાણવાળા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોનું સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર પૂર્ણ કરવા, પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શેલ્ટર હોમ્સ ખાતે પૂરતો ભોજન, પીવાનું પાણી, વીજળી અને તબીબી સુવિધાઓનો સ્ટોક તૈયાર રાખવા આદેશો અપાયા હતા.

કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા બોટ, જેસીબી, પંપ, જનરેટર જેવા સંસાધનોનું મેપિંગ કરી રેસ્ક્યુ ટીમોને સંવેદનશીલ સ્થળોએ અગાઉથી તૈનાત કરવા, જોખમી બ્રિજ, કોઝ-વે કે ઓવરટોપિંગ ધરાવતા માર્ગો પર તાકીદે વાહનવ્યવહાર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા, જોખમી હોર્ડિંગ્સ તથા વૃક્ષોની ડાળીઓ હટાવવા તેમજ ૨૪ કલાક (Round the Clock) કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે વર્ગ-૧ અધિકારીઓની નિમણૂંક કરવા જણાવવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને તાલુકા કક્ષા તથા ફિલ્ડ પરના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW