ડાંગનું ડોન : પ્રકૃતિ, પર્વતો અને ગીધ સંવર્ધનનું અનોખું પ્રવાસન સ્થળ

Advertisement
Advertisement
Advertisement

ડાંગ જિલ્લાની સરહદે આવેલું ‘ડોન’ ગુજરાતના કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પ્રવાસીઓને આકર્ષતું મનમોહક સ્થળ બની રહ્યું છે. ડોન હિલ પરથી આસપાસના ગાઢ જંગલો તેમજ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારના અદભુત નજારા જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડોનનો સમગ્ર વિસ્તાર લીલીછમ ચાદર ઓઢી લેતા અહીંનું કુદરતી સૌંદર્ય અનેકગણું વધી જાય છે.

ગીધ સંવર્ધનનું અનોખું કેન્દ્ર

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ નજીક ડોનની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થવાના આરે પહોંચેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધના સંવનન અને સંવર્ધન માટે કેન્દ્ર કાર્યરત છે. ગીધ જેવા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ પક્ષીના સંરક્ષણ અને સંવર્ધન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અહીં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડોન હિલ ઉપર સ્થાપિત ગીધરાજની વિશાળકાય પ્રતિમા પણ અહીંનું વિશેષ આકર્ષણ છે. આ પ્રતિમા પ્રવાસીઓને ગીધ સહિતના પક્ષીઓના જતન, રક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપે છે.

ડોનના મુખ્ય આકર્ષણો

ડોનમાં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો જોવા મળે છે. ડોન હિલ ઉપરાંત અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોહર નજારા નિહાળવા માટે વ્યૂ પોઈન્ટ વિકસાવવામાં આવ્યા છે. વલ્ચર પોઈન્ટ પરથી ગીધ અને આસપાસના કુદરતી વાતાવરણનો અનુભવ કરી શકાય છે.

ચોમાસા દરમિયાન અહીંના કુદરતી ધોધ જીવંત બની જાય છે, જ્યારે જંગલોમાં છવાયેલી હરિયાળી પ્રવાસીઓને ટ્રેકિંગ માટે પણ આકર્ષે છે. વરસાદી માહોલમાં ડોનના ટ્રેકિંગ રૂટ્સ પર ફરવાનો અનુભવ પ્રકૃતિપ્રેમીઓ માટે યાદગાર બની રહે છે.

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ડોન આહવાથી અંદાજે 33 કિલોમીટર અને સાપુતારાથી આશરે 55 કિલોમીટરના અંતરે આવેલું છે. સાપુતારા સાથે ડોનને પણ ડાંગ જિલ્લાના પ્રકૃતિ આધારિત પ્રવાસન સ્થળ તરીકે વિકસતી ઓળખ મળી રહી છે.

એક તરફ પર્વતો, ગાઢ જંગલો, ધોધ અને સૂર્યોદય-સૂર્યાસ્તના નજારા તો બીજી તરફ ગીધ સંવર્ધન કેન્દ્ર અને ગીધરાજની વિશાળ પ્રતિમા—આ તમામ બાબતો ડોનને અન્ય પ્રવાસન સ્થળોથી અલગ ઓળખ આપે છે.

ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ડોનનો નૈસર્ગિક નજારો મનમોહક બની જાય છે. લીલાછમ પર્વતો, વાદળોથી ઘેરાયેલું આકાશ, જંગલોમાં વહેતા ઝરણાં અને ઠંડકભર્યું વાતાવરણ પ્રવાસીઓને અહીં વારંવાર આવવા માટે આકર્ષે છે.

પ્રકૃતિ સાથે પક્ષી સંરક્ષણનો સંદેશ આપતું ડોન માત્ર ફરવા માટેનું સ્થળ નથી, પરંતુ કુદરત, જંગલ અને વન્યજીવોના સંરક્ષણની સમજ આપતું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ પણ બની રહ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW