ઇક્કો કાર સહિત રૂ.૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, એક આરોપી ફરાર
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ પરથી હળવદ પોલીસે ઇક્કો કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દેશી દારૂ તથા ઇક્કો કાર સહિત કુલ રૂ.૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર એક આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રજીસ્ટ્રેશન નંબર GJ-13-AM-4027 વાળી ઇક્કો કારને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- મળી આવ્યો હતો.
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.૩,૦૦,૦૦૦/-ની ઇક્કો કાર મળી કુલ રૂ.૪,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
1. ફિરોજ ફતેખાન મકરાણી, રહે. ધાંગધ્રા, કબ્રસ્તાન પાસે, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર
2. આસીફ મનસુરભાઈ મીર, રહે. ધાંગધ્રા, કબ્રસ્તાન પાછળ, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર
3. અફજલ અલ્લારખાભાઈ મકરાણી, રહે. ધાંગધ્રા, કબ્રસ્તાન પાસે, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર
ફરાર આરોપી
પોલીસ તપાસમાં દેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે શિવરાજ ગભરૂભાઈ કાળીયા, રહે. ખાટડી ગામ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગરનું નામ સામે આવ્યું છે. હાલ આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
હળવદ પોલીસે ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ ઝડપી પાડતા દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


