મોરબી મહાનગરપાલિકા દ્વારા બાળકોમાં લોકશાહી મૂલ્યો, નાગરિક જવાબદારી, નેતૃત્વ ક્ષમતા તેમજ શહેરના વહીવટી તંત્ર અંગે સમજ વિકસે તે હેતુથી આજે તા. ૦૯/૦૯/૨૦૨૬ના રોજ મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા” નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરની વિવિધ શાળાઓમાંથી કુલ ૭ શાળાના ૧૦-૧૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં તપોવન કોમર્સ સ્કૂલ, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્મલ વિદ્યાલય, સાર્થક વિદ્યામંદિર, નવયુગ સ્કૂલ તથા નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓને મોરબી મહાનગરપાલિકાના વહીવટી અને લોકશાહી માળખાનો પ્રત્યક્ષ અનુભવ મળી રહે તે માટે મહાનગરપાલિકાના વિવિધ હોદ્દાઓની ભૂમિકાઓ સોંપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર, ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ), ડેપ્યુટી કમિશનર (વહીવટ) તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને વિવિધ શાખાઓ/સમિતિઓના ચેરમેન તથા દરેક શાખાના શાખાધ્યક્ષ જેવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આ રીતે વિદ્યાર્થીઓએ માત્ર દર્શક તરીકે નહીં પરંતુ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને સામાન્ય સભાની કામગીરીમાં સક્રિય ભાગીદાર બનીને સમગ્ર પ્રક્રિયાનો અનુભવ મેળવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મહાનગરપાલિકાની સામાન્ય સભાની કાર્યપદ્ધતિને અનુરૂપ બાળ સામાન્ય સભા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સોંપવામાં આવેલી ભૂમિકાઓ મુજબ સભામાં ભાગ લીધો હતો અને શહેરના વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
બાળસભામાં વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યત્વે ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન, ગ્રીન મોરબી અને વૃક્ષારોપણ, સાયકલિંગ તથા વોકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સ્થળો અને બગીચાઓ, શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ તેમજ અન્ય શહેરી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ શહેરના પ્રશ્નોને પોતાના દૃષ્ટિકોણથી રજૂ કરી તેના સંભવિત ઉકેલો અંગે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન બાળકોમાં પ્રશ્ન રજૂ કરવાની, ચર્ચા કરવાની, નિર્ણય પ્રક્રિયાને સમજવાની તેમજ જવાબદારીપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરવાની ક્ષમતાનો વિકાસ થાય તેવો સકારાત્મક અનુભવ પ્રાપ્ત થયો હતો.
“બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા”નો મુખ્ય ઉદ્દેશ બાળકોને લોકશાહી વ્યવસ્થા માત્ર પુસ્તકોમાં વાંચવા પૂરતી સીમિત ન રહે પરંતુ તેનો પ્રત્યક્ષ અનુભવ મળે તે હતો.
મહાનગરપાલિકાની કામગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા, વહીવટી અધિકારીઓની જવાબદારી, વિવિધ શાખાઓની કામગીરી તથા શહેરના વિકાસ માટે લેવાતા નિર્ણયો અંગે વિદ્યાર્થીઓને વ્યવહારુ સમજ મળી હતી.
બાળ દ્વારા સંચાલિત આ મહાનગરપાલિકા કાર્યક્રમ માત્ર એક કાર્યક્રમ ન રહીને બાળકોમાં નેતૃત્વ, લોકશાહી સમજ, નાગરિક જાગૃતિ અને શહેર પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવતી એક અનોખી પહેલ બની રહી હતી.


