એસ.ઓ.જી. મોરબીની કાર્યવાહી : રૂ.2 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી શહેરમાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલા હોવાનું જણાતા અલગ અલગ કંપનીના 40 મોબાઈલ ફોન સાથે એક દુકાનદારને એસ.ઓ.જી. ટીમ મોરબીએ ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી મોરબીની સૂચના અને એસ.ઓ.જી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મોરબી નગર દરવાજા ચોક પાસે પરા બજાર મેઈન રોડ પર આવેલ શ્રી ખેતશ્વર મોબાઈલ દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દુકાનમાંથી 40 મોબાઈલ મળી આવ્યા
પોલીસ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી અલગ અલગ કંપનીના કુલ 40 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. મોબાઈલ ફોનના બિલ કે આધાર પુરાવા બાબતે દુકાનદારને પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તેમજ મોબાઈલ ફોનના બિલ કે આધાર પુરાવા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
આથી પોલીસે અલગ અલગ કંપનીના 40 મોબાઈલ ફોન ચોરી કે છળકપટથી મેળવેલા હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોબાઈલ ફોનનો કુલ મુદ્દામાલ રૂ.2,00,000નો હોવાનું સામે આવ્યું છે.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી
પોલીસે મોબાઈલ ફોન નંગ-40 બી.એન.એસ.એસ. કલમ 106(1) મુજબ કબજે કર્યા હતા. તેમજ દુકાનદાર દિનેશભાઈ ભમરારામ પુરોહિતની બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઈ) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
ઝડપાયેલ આરોપી
નામ: દિનેશભાઈ ભમરારામ પુરોહિત
રહે. હાલ: લક્ષ્મીનગર સામે, ટ્રાન્સપોર્ટ નગરમાં શિવશક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં, મોરબી
મૂળ વતન: દેવરા, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન
કબજે કરેલ મુદ્દામાલ
– અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-40
– કુલ કિંમત : રૂ.2,00,000/-
મોરબી એસ.ઓ.જી. ટીમની કામગીરીથી ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ ફોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.


