મંત્રીએ રીબીન કાપી ‘પ્રાકૃતિક કૃષિ હાટ’નું ઉદ્ઘાટન કર્યું; ‘સરિતા ફાર્મ’ના વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ઉત્પાદનોનું કર્યું નિરીક્ષણ
પ્રાકૃતિક ખેતીને વધુ ને વધુ અપનાવી જનઆંદોલન બનાવવા ખેડૂતોને મંત્રીનું આહ્વાન
મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ને ખુલ્લું મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ વિધિવત રીતે ‘પ્રાકૃતિક કૃષિ હાટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.
ઉદ્ઘાટન બાદ મંત્રીએ માર્કેટિંગ યાર્ડ પરિસરમાં કાર્યરત ‘સરિતા ફાર્મ’ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વિશેષ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા વિવિધ કૃષિ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ખેડૂત અશોકભાઈ મોરડીયાએ મંત્રીને પ્રાકૃતિક ઉત્પાદનો અને તેની વિવિધ વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મંત્રીએ ખેડૂતો અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને વધુ ને વધુ અપનાવવા અને વેગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો.


