તા. ૨૩ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન અરજી અને પાયાની રકમ ભરવાની રહેશે; તા. ૨૯ થી ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન બિડીંગ પ્રક્રિયા યોજાશે
સરકારના મોટર વાહન ખાતાના પરિપત્ર અનુસાર વાહન વ્યવહાર વિભાગની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી અગાઉની મેન્યુઅલ ઓક્શન પ્રથા બંધ કરી સંપૂર્ણપણે ઓનલાઈન ઓક્શન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. મોરબી જિલ્લામાં ટૂ-વ્હિલર વાહનો માટે નવી ‘GJ-36-BE’ સીરીઝ ફાળવવામાં આવી છે, જેમાં પોતાના વાહન માટે મનપસંદ કેન્સી નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો માટે ઓનલાઇન હરાજીનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રક્રિયા અંતર્ગત વાહન માલિકોએ પોતાના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને આગામી તા. ૨૩/૧૦/૨૦૨૬ થી તા. ૨૯/૧૦/૨૦૨૬ સુધીમાં http://parivahan.gov.in/fancy/ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરી, CNA ફોર્મ ભરીને પાયાની રકમ ઓનલાઇન ભરપાઈ કરી અરજી કરવાની રહેશે. ત્યારબાદ તા. ૨૯/૧૦/૨૦૨૬ થી તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં વાહન માલિકો પોતે પસંદ કરેલ નંબર માટે ઓનલાઇન બિડીંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
બિડીંગ વખતે રકમમાં ૧૦૦૦ ના ગુણાંકમાં વધારો કરનાર અસફળ કે સફળ અરજદારોએ નિયત સમયમર્યાદામાં તફાવતની રકમ ભરપાઈ કરવાની રહેશે તેમજ સફળ ઉમેદવારોએ પહોંચ અને અલોટમેન્ટ પત્ર મેળવીને આર.ટી.ઓ. કચેરી ખાતે દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. હરાજીમાં અસફળ રહેનાર અરજદારોની ભરપાઈ કરેલી રકમ ૫ થી ૭ દિવસમાં ઓનલાઈન પરત જમા થઈ જશે. મોરબી જિલ્લાના વાહન માલિકોને આ ઓનલાઈન પારદર્શક સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.


