સાયલાના ગોસાળ ગામ નજીકની ઘટના: આરોપીએ પોલીસ પર ફાયરિંગનો પ્રયાસ કરતાં PSIએ સ્વબચાવમાં પગના ભાગે ગોળી ચલાવી, આરોપી ઇજાગ્રસ્ત
મોરબી/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય સહિતના જિલ્લાઓમાં હત્યાની કોશિશ, હથિયારધારા, ખંડણી, મારામારી, પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલો અને પાસા હેઠળ પણ અટકાયતમાં રહી ચૂકેલો આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચાને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો છે. છેલ્લા દસ મહિનાથી છ અલગ-અલગ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી સાયલા તાલુકાના ગોસાળ ગામના રસ્તે ગોસળિયા હનુમાનજી મંદિર નજીકથી મળી આવ્યો હતો.
પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેણે ઊલટી કરવાનું બહાનું બનાવી પોલીસની સરકારી સર્વિસ પિસ્તોલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પિસ્તોલ આંચકી લોડ કરી પોલીસ અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. PSI બી.સી. મિયાત્રાએ પિસ્તોલનું બેરલ નીચે તરફ કરી દેતાં એક ગોળી જમીનમાં અને ત્યારબાદ ઉપર તરફ થતાં બીજું ફાયરિંગ હવામાં થયું હતું. આ દરમિયાન PSI પી.એન. મોરીએ પોલીસ કર્મચારીઓના સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ગોળી ચલાવી હતી, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો હતો.
સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. PSI પી.એન. મોરી, PSI બી.સી. મિયાત્રા અને પોલીસ સ્ટાફની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરી પિસ્તોલ આંચકી હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 121(1), 132 અને 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: પોલીસની પ્રેસનોટ મુજબ આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને વર્ષ 2025માં પાસા હેઠળ અટકાયતમાં લેવાયો હતો. તેના ગુનાહિત ઇતિહાસમાં પ્રોહિબિશન, હથિયારધારા, હત્યાની કોશિશ સહિતના વિવિધ ગુનાઓનો સમાવેશ થાય છે.



