બે અલગ-અલગ દુકાનોમાંથી ગેસના ૧૭ ભરેલા અને ૧૦૯ ખાલી બાટલા સહિત કુલ રૂ. ૨.૫૭ લાખનો મુદ્દામાલ કબજે
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલી બે અલગ-અલગ દુકાનોમાં ગેસ રીફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી.ની ટીમે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બંને દુકાનોમાંથી ગેસના ભરેલા અને ખાલી બાટલાઓનો મોટો જથ્થો તેમજ ગેસ રીફિલિંગ માટેનાં સાધનો મળી આવતાં બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ. ૨,૫૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ગુના નોંધાવ્યા છે.
મળતી માહિતી મુજબ, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક, ભુજ (કચ્છ) તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર એસ.ઓ.જી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઢુવા-માટેલ રોડ પર સનહાર્ટ સિરામિક સામે પ્રયાગ પ્લાઝા-૨માં આવેલી મહાદેવ કિરાણા ભંડાર નામની દુકાનમાં તેમજ રોલસ્ટાર સિરામિક સામે ખોડિયાર-૨ ચેમ્બરમાં આવેલી ઉમી ગેસ એજન્સી નામની દુકાનમાં ગેસ રીફિલિંગ થતું હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે બંને સ્થળે દરોડા પાડતાં મહાદેવ કિરાણા ભંડારમાંથી અલગ-અલગ કંપનીના ૮૧ ખાલી બાટલા, ૧૨ ભરેલા બાટલા અને ગેસ રીફિલિંગનાં સાધનો મળી આવ્યા હતા. આ સ્થળેથી વાંકાનેરના ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે અહીંથી કુલ રૂ. ૧,૮૨,૪૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજી તરફ, ઉમી ગેસ એજન્સીમાંથી અલગ-અલગ કંપનીના ૨૯ ખાલી બાટલા, ગો ગેસ કંપનીના પાંચ ભરેલા બાટલા તથા ગેસ રીફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટર, નળી, નોઝલ, વજનકાંટો સહિતનાં સાધનો મળી આવ્યાં હતાં. આ સ્થળેથી પણ ગુલશન પાર્ક સોસાયટી, વાંકાનેરના અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણને ઝડપી પાડવામાં આવ્યા હતા. અહીંથી રૂ. ૭૫,૪૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
*કુલ ૧૨૭ બાટલા સહિત રૂ. ૨.૫૭ લાખનો મુદ્દામાલ કબજે*
એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન બંને સ્થળેથી કુલ ૧૧૦ ખાલી બાટલા અને ૧૭ ભરેલા બાટલા મળી કુલ ૧૨૭ બાટલા કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેસ રીફિલિંગ માટેની મોટર, નળી, નોઝલ, ઇલેક્ટ્રિક વજનકાંટા, પાના, સીલિંગ માટેની હીટગન સહિતનાં સાધનો પણ કબજે કરવામાં આવ્યાં હતાં. બંને સ્થળેથી કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૨,૫૭,૯૦૦ હોવાનું જણાવાયું છે.
આ મામલે પોલીસે જુદી જુદી કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ગુના નોંધાવી આગળની તપાસ હાથધરી છે



