કોઈ કવિ દ્વારા કહેવાયું છે ને કે
*મંજીલે ઉનકો મિલતી હૈ જીનકે સપનોમેં જાન હોતી હૈl*
*પરોં સે કુછ નહિ હોતા હોંસલો સે હી ઉડાન હોતી હૈ l*
હા.આ..પંક્તિને સાર્થક કરી રહ્યા છે,મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ.તેઓ બંને પગે દિવ્યાંગ છે. સતત તેમને વ્હીલ ચેરની મદદની જરૂર પડે છે,પણ એમનામાં હિંમત,સાહસ અને કંઈક કરી છૂટવાની ભાવના ઉન્નત હોવાથી,અનેક મુશ્કેલીઓ વચ્ચે અનેક સમસ્યાઓનો સામનો કરીને કલાસ-2 ની કઠિન પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને આજે મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની ફરજ પુરી નિષ્ઠા,લગન અને કુનેહપૂર્વક બજાવી રહ્યા છે.તેઓ એક મહિલા છે અને દિવ્યાંગ છે છતાં નીડરતા પૂર્વક કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર મક્કમતાથી પોતાનું કાર્ય કરી રહ્યા છે, તેઓ નાળિયેરની જેમ બહારથી ભલે કઠણ કે કડક દેખાતા હોય પણ અંદરથી એટલા જ નરમ અને ઋજુ છે એનો વાસ્તવિક ઉદાહરણ એ છે કે નૂતન વર્ષના પ્રથમ દિવસે તેઓ જિલ્લા પંચાયતના તમામ પટ્ટાવાળાને મીઠાઈના બોક્સ આપીને નુતનવર્ષની પ્રેરણાદાયી ઉજવણી કરે છે,અને એમની પાસે આવતા અરજદારોને શક્ય એટલી તમામ રીતે મદદરૂપ થાય છે.એટલે જ એમના માટે કહેવાયું છે કે—
*દ્રઢ મનોબળ દાખવો તો ન કોઈ મુશ્કિલ કામ*
*સેવાને શ્રમ પહોંચાડશે મન ધાર્યા મુકામ*
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા સામાન્ય કાપડના વ્યવસાયે દુકાનદાર એવા પિતા ગુણવંતરાય પ્રભુદાસ ગોહિલ અને માતા દિનાબેનના ઘરે તા.24.05.1979 ના રોજ વ્હાલસોયી દિકરી ઈલાનો જન્મ થયો,અંદાજે દોઢ વર્ષની ઉંમરે આ દીકરીને તાવ આવ્યા બાદ પોલિયો થયો અને એમનું શરીર 60% ક્ષતિગ્રસ્ત થઈ ગયું. સુદામડા ગામની શાળામાં ધો-10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેઓ નાના હતા ત્યારે પાડોશીઓ કટાક્ષમાં કહેતા કે જે પગે ચાલી પણ નથી શકતી એને ભણાવીને શું ફાયદો?એ શું ભણવાની? પણ જવાબમાં એમના માતા-પિતા કહેતા કે અમારે અમારી દિકરીને ભણાવી ગણાવી મોટી સાહેબ બનાવવી છે.ઈલાબેન પોતા માતા પિતાનું સ્વપ્ન સાકાર કરવા અનેક અગવડો વેઠીને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપતા હતા.
*લક્ષ્ય ઓજલ હોને ન પાયે તું કદમ સે કદમ મિલાકર ચલ l*
*સફલતા જરૂર તેરે ચરણ ચુમેગી આજ નહિ તો કલ l*
બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી,બીએ વિથ સંસ્કૃત વિષય સાથે એક્સ્ટર્નલ કરતા કરતા તલાટીની પરીક્ષા પાસ કરી સાયલા તાલુકામાં જ તલાટી તરીકે નિમણુંક મેળવી સાથે સાથે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનની પરીક્ષા તૈયારી શરૂ રાખી અને વર્ષ:- ૨૦૦૯ માં તેઓ ઉત્તીર્ણ થતા ચીફ ઓફિસર તરીકે બરવાળા અને ગાંધીનગર ફરજ બજાવી,વર્ષ 2011 થી 2015 સુધી ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં ફરજ નિભાવી હતી. વર્ષ :- 2015 માં તાલુકા વિકાસ અધિકારી તરીકે GPSC પાસ કરી ગાંધીનગર અને ગઢડા સ્વામી તાલુકાના વિકાસ અધિકારી તરીકે યશસ્વી ફરજ બજાવી હતી.
તેઓએ અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાના કોચિંગ કલાસ દ્વારા તૈયારી કરી હતી અને વર્ષ:- 2017 માં ઈલાબેનની નિષ્ઠાપૂર્વકની કામગીરી કદર કરતા સરકાર દ્વારા GAS માં પ્રમોશન સાથે ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક મળતા દિકરીને મોટા અધિકારી બનાવવાનું માતા દિનાબેન અને પિતા ગુણવંતરાયનું સપનું દિકરી ઈલાએ સાકાર કર્યું આજે તેઓ સીરામીક સીટી, ઉદ્યોગનગરી મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કર્મને જ ધર્મ માની ફરજ બજાવી રહ્યા છે.પોતાનો અધિકારી તરીકેનો રોલ ખુબજ ખંતથી બજાવી રહ્યા છે.
ઈત્ર સે મહેકના કોઈ બડી બાત નહિ મજા તો તબ હૈ જબ ખુશ્બુ અપની કિરદાર સે આયે