Saturday, January 11, 2025

મોરબીમાં અંદાજે રૂ.૯.૫૬ કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપ લાઈનના કામોનું ખાતમુહૂર્ત કરાયું

Advertisement

૧.૫૦ કરોડના ખર્ચે મોરબીમાં ઇમરજન્સી રેસ્ક્યુ વાહન અર્પણ

00000

પ્રજાના પૈસા ૧૦૦ ટકા વિકાસકાર્યોમાં વાપરવાની

નેમ વ્યક્ત કરતા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

00000

ગુનાહીત કૃત્યો, ગેરરીતી તેમજ ભ્રષ્ટાચાર જરા પણ ચલાવી નહી લેવાય

– ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી

મોરબી નગરપાલિકા દ્વારા શહેરની ૧૧૫ વાડી તથા સંલગ્ન સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડવા માટે સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીની અંદાજે ૯.૫૬ કરોડના ખર્ચે પાઇપલાઇન કામોનું ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૧.૫ કરોડના ખર્ચે ઇમરજન્સી રેસ્ક્યુ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વાડી વિસ્તારમાં વીજળી, શાળાઓ, રસ્તા વગેરે સુવિધા ઉભી કરાઈ છે, અહીં હાલ ૨૨ શાળાઓ કાર્યરત છે. કોન્ટ્રાક્ટરને યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કરતા જણાવ્યું હતું કે, વાડી વિસ્તારના લોકો હેરાન ન થાય તે રીતે કાર્ય પૂર્ણ થવું જોઈએ. પ્રજાના પૈસા ૧૦૦ ટકા વિકાસકાર્યોમાં વાપરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ, ગટરનું કામ તેમજ ચોમાસામાં પાણીનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થા વગેરે કાર્યો કરવામાં આવનાર છે. આગામી સમયમાં ત્રણ લાખ રોપા વાવવાનું લક્ષ્ય અમે રાખ્યું છે અને જિલ્લાના વિવિધ સ્થળોએ આ રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવશે. વિકાસકાર્યોની સાથે નગરપાલિકાનો ખર્ચ કેવી રીતે ઓછો થાય તે તરફ પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. મોરબી શહેર માટે ટૂંક સમયમાં નગરપાલિકાના કરોડોના ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તે અંગે પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ ન થાય તે માટે પણ અમે જવાબદારી ઉઠાવીશું. આ તકે નવા ટાઉન પ્લાનિંગમાં શહેરીજનોને સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.

વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને વિકાસના પંથે લઈ જવાની જવાબદારી અમારી છે. ગુનાહીત કૃત્યો, ગેરરીતી તેમજ ભ્રષ્ટાચાર જરા પણ ચલાવી નહીં લેવાય, જિલ્લામાં સુશાસન જળવાઈ રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.

સ્વાગત પ્રવચનમાં નગરપાલિકા વહીવટદારશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછારે જણાવ્યું હતું કે, લોકોના રૂપિયા લોકો સુધી પહોંચાડવાના સતત પ્રયત્નો ચાલુ છે. લોકોની સુખાકારી માટે રોડ-રસ્તા, પીવાના પાણી, રાત્રી સફાઈ કાર્યક્રમ, સેનિટેશનના કામોને યોગ્ય સમય મર્યાદામાં નિરાકરણ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, નગરપાલિકા વહીવટદારશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, સ્ટેશન ફાયર ઓફિસરશ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી સર્વશ્રી જયુભા જાડેજા, લાખાભાઈ જારીયા, ભાવેશભાઈ કણજારીયા, કે. કે.પરમાર, જ્યોતિસિંહ જાડેજા તેમજ વિવિધ પદાધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW