માર્ગ અને મકાન (સ્ટેટ)ની ટીમો જિલ્લામાં ૧૦ સ્થળોએ
જેસીબી.ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનો સાથે તૈયાર
બિપરજોય વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્રના અલગ અલગ વિભાગો દ્વારા અગમચેતીના રૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે માર્ગ અને મકાન (સ્ટેટ) દ્વારા ઈમરજન્સી સમયે કામગીરી કરી શકાય તે માટે જિલ્લાના ૧૦ સ્થળોએ ઈમરજન્સી ટીમ ફાળવી દેવામાં આવી છે. મોરબી જિલ્લાના આમરણ, પીપળીયા ચાર રસ્તા, સરવડ, ટીકર મોરબી શહેર, હળવદ શહેર, ચરાડવા, રાતીદેવડી, અમરસર ફાટક અને ટંકારા વગેરે સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેરશ્રી હિતેષભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે, “જેસીબી, ડમ્પર્સ કે ટ્રેક્ટર્સ તેમજ ૮ થી ૧૦ માણસો સાથેની ટીમ ખડે પગે રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા ઈમરજન્સીના સમયે કોઈ રસ્તા બ્લોક થાય તો તે ક્લિયર કરવાની કામગીરી તથા વૃક્ષ કે અન્ય કોઈ ભારે સામાન રસ્તા ઉપર પડે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે જેથી વાહન વ્યવહાર જળવાઈ રહે. ખાસ કરીને આકસ્મિક સમયમાં વાહન વ્યવહારમાં કોઈ વિક્ષેપ ન આવે અને રસ્તાઓ ઠપ ન થઈ જાય તે માટે આ ટીમો બનાવવામાં આવી છે”.