*ભગવાને આપણને સાથ અને શક્તિ આપી જેથી આપણે વાવાઝોડાની આ વવાઝોડાની પરિસ્થિતિ સામે જજૂમી શક્યા અને જંગ જીતી શક્યા*
*વડાપ્રધાનની દિર્ઘદ્રષ્ટી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જે ઝિરો કેઝ્યુઆલિટી સાથેનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ થયું તેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાઈ રહી છે*
*બાગાયતમાં એક ફળાઉ ઝાડને મોટું કરતા ૪-૫ વર્ષથી વધુ સમય લાગે છે, આ બાબતે યોગ્ય કામગીરી કરી ખેડૂતોને વળતર ચુકવવા માટે મંત્રીએ સુચના આપી*
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન અંગેની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લાના તમામ વિભાગો દ્વારા બિપરજોય વાવાઝોડા અન્વયે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ, વાવાઝોડા દરમિયાન કરેલી કામગીરી તેમજ વાવાઝોડા બાદ લેવામાં આવેલા પગલાં વગેરે વિશેની માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાની સામાજિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, મંદિર, ટ્રસ્ટ, સેવાભાવી લોકો વગેરે દ્વારા કરવામાં આવેલી કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી જેની મંત્રીએ સરાહના કરી હતી અને ખાસ કરીને જિલ્લાના પત્રકાર મિત્રોએ કરેલ હકારાત્મક કામગીરી માટે તેમને અભિનંદન આપ્યા હતા.
મંત્રીએ શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ / કર્મચારીઓ અને જિલ્લાની તમામ સંસ્થાઓ અને સર્વે નાગરિકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભગવાને આપણને સાથ અને શક્તિ આપી જેથી આપણે વાવાઝોડાની આ પરિસ્થિતિ સામે જજૂમી શક્યા અને કોઈ મોટી નુકશાન વિના જંગ જીતી શક્યા. મુખ્યમંત્રીની રાહબરી હેઠળ પ્લાનીંગ સાથે અધિકારીઓ સાથે મંત્રીઓ અને સ્થાનિક પદાધિકારીશ્રીઓ ગ્રાઉન્ડ લેવલે સતત તૈનાત હતા ખાસ કરીને સ્થળાંતરમાં ત્યાંના સ્થાનિક પદાધિકારીઓની કામગીરીને પગલે આપણે આટલી મોટી સંખ્યામા લોકોને સ્થળાંતરિત કરી શક્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થયું, જેના કરણે ઝીરો કેઝ્યુઆલિટી સાથે આપણે આ પરિસ્થિતિ સામે અડિખમ ઉભા રહ્યા તેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાઈ રહી છે.
કૃષિ બાબતે હજુ થોડી વધુ મહેનત કરી, રી સર્વે કરી ખેડૂતો માટે યોગ્ય કામગીરી કરવા સુચન કરતા મંત્રીએ જણવ્યું હતું કે, આપણે કહીએ છીએ કે વાવાઝોડું જતું રહ્યું છે, પણ તેણે છોડેલી નિશાનીઓ વિશે કોઈ ખેડૂતને પુછીએ તો ખબર પડે કે, ખરેખર શું પરિસ્થિતિ છે. ખેડૂતો માટે સંવેદના દાખવતા મંત્રીએ જણાવ્યું હતું કે, બાગાયતી ખેતીમાં એક ફળાઉ ઝાડને મોટું કરતા ૪-૫ વર્ષથી વધુ સમય લાગે છે. જેથી આ બાબતે યોગ્ય કામગીરી કરી ખેડૂતોને વળતર ચુકવવા માટે મંત્રીએ સુચના આપી હતી. ઉપરાંત મંત્રીએ પીજીવીસીએલ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી ખેતીવાડીના પેન્ડિંગ ૨૪૦૦ જેટલા કનેક્શન સોમવાર સુધીમાં પૂર્વવત કરવા જણાવ્યું હતું. ઉપરાંત વન વિભાગને યોગ્ય આયોજન સાથે પડી ગયેલા વૃક્ષોની સામે નવા વૃક્ષો વાવવા માટે જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ કેશડોલ્સ, વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે, ખેતીવાડી, બાગાયત, ફિશરીઝ સહિત વગેરે વિભાગો પાસેથી સર્વે અને તેને અનુરૂપ લેવાયેલા પગલા વિશે માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતા.