મોરબી શહેરમાં કચરો છે? ફોટો પાડો અને મોકલો +919879889077 નંબર પર
ફોટોની સાથે જે તે જગ્યાનું એડ્રેસ ફરજિયાત મોકલવું;
નગર પાલિકાની ટીમ દ્વારા તે જગ્યા સ્વચ્છ બનાવવામાં આવશે
મોરબી નગરની સુંદરતા જળવાઈ રહે અને મોરબી શહેર વધુ ને વધુ રળિયામણું બને તે માટે મોરબી નગર પાલિકા દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. નગર પાલિકા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર થકી મોરબીમાં ગંદકી પર નિયંત્રણ રાખી શકાશે.
મોરબી શહેરમાં ગંદકીને ડામવા અને ગંદકીના કરણે સર્જાતી સમસ્યાઓને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા વોટ્સએપ હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો દેખાય તો તરત જ +919879889077 નંબર પર ફોટો પાડી મોકલી શકાય છે. આ આ ફોટાની સાથે જે તે સ્થળનું ચોક્કસ એડ્રેસ અથવા તો ગુગલ મેપની મદદથી એડ્રેસ મોકલવાનું રહેશે. આમ મોરબી નગરમાં ગંદકી બાબતે ફોટો સહિતની ફરિયાદ વોટ્સએપથી કરી શકાય તે માટે આ નંબર જારી કરવામાં આવ્યો છે. નગરપાલિકાને આ ફરિયાદ મળતા જ જે-તે સ્થળની સાફ-સફાઈ કરવામાં આવશે અને ગંદકી દુર કરી તે વિસ્તારને રળિયામણું બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.
હાલ આ નંબર ફક્ત કચરાના નિકાલ માટે જ શરૂ કરાયો છે. ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે બાબતો માટે આ નંબર પર ફરિયાદો ન મોકલી મોરબીને રળિયામણું બનાવવાની મોરબી નગરપાલિકાની આ પહેલમાં સહકાર આપવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે.