‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામે તળાવના કાંઠે તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારમાં સાફ-સફાઈની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
‘સ્વચ્છ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’ મંત્ર સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ કરવામાં આવી રહી છે.
જેના અનુસંધાને મોરબી જિલ્લામાં આવેલા તળાવો તથા નદીઓમાં સફાઈ કરીને નદીઓ તથા તળાવોને સ્વચ્છ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે તળાવના કાંઠે તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારમાં સઘન સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં ગામ લોકો અને તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)નો સ્ટાફ સહિતના જોડાયા હતા.