મોરબીમાં વાળીનાથ શિવયાત્રાની પધરામણી, ભવ્ય શોભાયાત્રા યોજાઈ
21 જેટલા યજમાનોએ અતિ પાવનકારી મહાશિવલીંગ પર રૂદ્રાભિષેક કર્યો
લાલપરથી મકનસર સુધી યોજાયેલ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
મહેસાણા જીલ્લાના વિસનગર નજીક આવેલ તરભ ખાતે વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નિર્માણ પામેલ શિવધામમાં પ્રસ્થાપિત થનાર અતિપાવન મહાશિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી ફેબ્રુઆરી મહિનામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા બે ત્રણ મહિના જેટલા સમયથી વાળીનાથ મંદિરના મહંત પ. પૂ. શ્રી જયરામગીરી બાપુની નિશ્રામાં નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવન કલ્યાણકારી મહાશિવલિંગનું ગુજરાતના શહેરોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે.
આ શિવયાત્રા ગઈકાલે મોરબી ખાતે પહોંચી હતી ત્યારે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આ શિવયાત્રાનું સ્વાગત કરીને ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનું આયોજનો કરવામાં આવ્યું હતું જેમાં લાલપરથી મકનસર સુધી અનેક ગાડીઓના કાફલા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મચ્છુકાંઠા રબારી સમાજનાં લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત મકનસર ખાતે વાળીનાથ અખાડાના કોઠારી શ્રી દશરથગીરીબાપુની નિશ્રામાં ધર્મસભા યોજાઈ હતી ત્યારબાદ અતિ પાવનકારી મહાશિવલિંગ પર 21 જેટલા યજમાનો દ્વારા રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવલિંગની મહાઆરતી કરવામાં આવી હતી.