Tuesday, February 4, 2025

રંગોનું પર્વ રંગોત્સવ…રંગોનું પર્વ એટલે હોળી – ધૂળેટી

Advertisement

રંગોનું પર્વ રંગોત્સવ…રંગોનું પર્વ એટલે હોળી – ધૂળેટી… રંગોથી જીવનને રંગીન બનાવવું… સંબંધોમાં પ્રેમ અને સ્નેહનો રંગ ચઢાવવાનો અવસર એટલે આ રંગોત્સવ પર્વ. પરસ્પરના મતભેદોને હોળીની આગમાં હોમી દઈ એકબીજા સંગ લાગણીના રંગોથી રંગાઇ જવું…ક્યાંક દોસ્તીનો રંગ તો ક્યાંક પ્રેમનો…. જીવન વૈવિધ્યસભર છે…જિંદગી કેટકેટલાય રંગોથી ચિતરાયેલી છે. દરેક સંબંધમાં એક રંગ હોય છે… આછો, ઘેરો, આંખોને અને દિલને ગમતા મનભાવન રંગો જીવનનું એક અલગ જ ચિત્ર ઉપસાવે છે… દરેક વ્યક્તિ પોતાની જિંદગીનો કલાકાર છે… તેણે જાતે જ પોતાના ચિત્રમાં રંગ ભરવાના હોય છે… આજે તહેવારો ઊજવવાનો ઉત્સાહ પહેલા જેવો નથી રહ્યો… હા છે તો માત્ર સોશ્યલ મિડિયા પર રંગાયેલ ફોટો મુકવા પુરતો… ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિની શાન છે… એને ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવવા જોઈએ… ઉત્સવો જીવનમાં સમયાંતરે હકારાત્મક અભિગમ લઈ આવે છે… નવી આશાઓ અને ઉમ્મીદો સાથે એક નવી શરૂઆત કરવા માટેનો શ્રેષ્ઠ સમય લઈ આવે છે.. હોળી શીખવે છે જીવનના ખૂબ અગત્યના પાઠ, ગમે તેવી કપરી પરીક્ષાઓમાંય નાસીપાસ ન થવું..જો આજે પરીક્ષા હશે, કસોટીનો કાળ કપરો જ હોવાનો, પણ તેના ફળ આવતીકાલે અવશ્ય મળશે.. અને તે પણ રંગબેરંગી.. “ઉલ્લાસમય, આનંદમય.. હોળીકા દહન થાય તો તેની પાસે જઈને પ્રાર્થના કરવી કે અમારા દુઃખોને આમાં બાળી દેજો, અમારા અભિમાનને, “હું” પણાને, અમારા આત્મકેન્દ્રી અભિમાનને આ પુણ્યાગ્નિમાં બાળવાની શક્તિ આપજો. ધાણી સૂચવે છે કે જો તમે મજબૂત નહીં હોવ તો કસોટીનો કાળ શરૂ થતાં વેત, ઝાળ લાગી કે તરત ફૂટવા માંડશો… ખજૂર સૂચવે છે કે બહારથી તમારા વ્યવહારમાં, વાણી અને વર્તનમાં નરમાશ અને વાત્સલ્ય હોવું જોઈએ, મીઠાશ હોવી જોઈએ, પણ અંદર તમે ગમે તેવી વિપત્તિ સામે લડી શકો તેવા કઠણ હોવા જોઈએ. એક વખત આખાને આખા ખવાઈ જાઓ તોય તમારામાં એ સત્વ હોવું ઘટે કે જેનાથી તમે ફરીથી ઉઠી શકો, બીજ માંથી ખજૂર થઈ શકો. ગમે તેવા સૂકા, ખરાબ સંજોગોમાંય તમારી મીઠાશ અકબંધ રાખી શકો… લીલા કરતા સૂકું લાકડું બળવા માટે વધુ યોગ્ય ગણાય છે, એ બતાવે છે કે જેવું તમારી ભીતરમાંથી ઝરણું સૂકાયું કે તમે હતા ન હતા સરખા છો. દયા, પ્રેમ કરુણા જેવી લીલાશ અને ભીનાશ વગર સંસાર તમને બળવાયોગ્ય જ ગણશે…મારા મતે પોતાના સાથે, મિત્રો અને સગા સબંધીઓ સાથે અને એવા લોકો સાથે જેમની સાથે તમારે લાગણીના તાર રણઝણતા હોય, હોળી રંગાવા જેવો ઉત્સવ છે તેમના રંગમાં રંગાવ એટલે તેમના વિચારોને, લાગણીઓને માન આપો, રંગ લગાવાથી માત્ર રંગોત્સવ નથી ઉજવાતો પણ કોઇના પ્રેમસભર સંબંધોમાં લાગણીના રંગોથી રંગાઇ જવું એ જ તો છે સાચો રંગોત્સવ…રંગસભર પર્વની દેવેન રબારી ની રંગીન શુભેચ્છાઓ..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW