આ વર્ષે વીશ્વ આરોગ્ય સંસ્થાએ ૭ એપ્રીલની ઉજવણી માટે જે વીષય પસંદ કર્યો છે તે છે “મારું આરોગ્ય, મારો અધીકાર” World Health Day 2024: My health, my right (who.int).
આ સંદર્ભે જ્યારે 7 તારીખે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી દ્વારા જાહેર જાગૃતી કાર્યક્રમ કરવામાં આવ્યો અને પછીના દીવસે 8 તારીખે મોરબી જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી દ્વારા કહેવામાં આવ્યું કે અમારા જેવા સીલીકોસીસ જેવા જીવલેણ રોગથી પીડાતા ભારતના નાગરીકો માટે આ દીવસ અને આ થીમનું અદકેરું મહત્વ છે. આજના દીવસે આ બાબતે જનજાગૃતિ કરવા માટે આ દીવસ મનાવવામાં આવે છે. દરેક જગ્યાએ, દરેક નાગરીકને ગુણવત્તાભરી આરોગ્ય સેવાઓ, શીક્ષણ અને માહીતી મેળવવાનો અધીકાર છે. તે ઉપરાંત પીવાનું સ્વછ પાણી, શ્વાસ માટે ચોખ્ખી હવા, પોષણયુક્ત આહાર, સારું ઘર, કામ કરવાના આરોગ્યપ્રદ સ્થળો અને ભેદભાવથી મુક્તી એ પાયાના માનવ અધીકાર છે.
સંઘે વધુમાં કહ્યું કે અમે આ અધીકારોથી વંચીત છીએ તેથી અમે મોરબી જીલ્લા કલેક્ટર સમક્ષ અમારી વ્યથા રજુ કરીએ છીએ. પોતાના આવેદનપત્રમાં તેમણે નીચે મુજબની માગણીઓ રજુ કરી.
૧. સુપ્રીમ કોર્ટના હુકમ અને રાષ્ટ્રીય માનવ અધીકાર પંચની ભલામણોને પગલે ગુજરાત સરકારે સીલીકોસીસ પીડીતો માટે વીનામુલ્યે સારવાર પુરી પાડવાનો આદેશ કરેલ છે પરંતુ તેનો મોરબી ખાતે અમલ નબળો છે. હાલ મોરબીમાં ઓળખી કઢાયા હોય તેવા ૫૦ જેટલા દર્દીઓ છે જેઓ આરોગ્ય સેવા લેવા સીવીલ હોસ્પીટલમાં જાય છે. તેમને પંપની અને ઓક્સીજનની જરુર પડતી હોય છે. તેમને પંપ બહારથી ખરીદી લેવા કહેવાય છે અને ઓક્સીજનની તો કોઇ જ વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી. રાજ્ય તરફથી તેની વ્યવસ્થા કરવામાં આવતી નથી ત્યારે દર્દીને અઠવાડીયે રુ.૫૦૦/-થી વધુનો ખર્ચ થાય છે. પથારીવશ દર્દી પોતાનું ગુજરાન ચલાવવા કમાઇ ન શકે તેટલો અપંગ/અશક્ત થઈ ગયો છે અને તમામ ખર્ચ તેની નબળી કેડ પર પડે છે, તે દેવામાં ડુબી જાય છે ત્યારે રાજ્ય તેને ઓક્સીજનની સુવીધા પુરી પાડી ન શકે?
૨. એને તમામ સેવાઓ વીનામુલ્યે મળી રહે તે સારુ તેને એક ઓળખ કાર્ડ પણ કાઢી આપવું જોઇએ જેથી તે સીલીકોસીસ પીડીત છે તે તમામ સ્થળે પુરવાર કરતા રહેવાની જરુર રહે નહી.
૩. સીલીકોસીસ પીડીતોને માથે ટીબી સંક્રમણની તલવાર સતત લટકતી રહે છે. ભારતને ટીબી મુક્ત કરવાનું આપણા પ્રધાનમંત્રીએ ઉમદા સ્વપ્ન જોયું છે અને તે માટે ભરપુર પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે સીલીકોસીસ પીડીતોને ટીબી સંક્રમણથી બચાવવા પોષણયુક્ત આહાર ખુબ ઉપયોગી થઇ પડે. જે કમાતો ન હોય તે પોષણયુક્ત આહાર માટે ક્યાંથી ખર્ચ કરી શકે ? તે માટે તેને અંત્યોદય કાર્ડ કાઢી આપવામાં આવે તો તેની મુશ્કેલી થોડે અંશે હળવી થાય. ગંભીર રોગથી પીડાતા નાગરીકોને આવા કાર્ડ કાઢી આપવાની કાયદામાં જોગવાઇ છે જ.
સંઘનું માનવું છે કે આ વાજબી માગણીઓ મોરબી કલેક્ટર થકી જરુર ઉકેલાશે. અને તેમ થશે તો આ વીશ્વ આરોગ્ય દીવસે પસંદ કરાયેલ વીષય (થીમ) સાર્થક ઠરશે.