ચાલો આદર્શ આચાર સંહિતાની આંટી ઘુંટીઓને સરળ બનાવીએ
ચૂંટણી જાહેર થતા જ અખબારોમાં ખાસ વાંચવામાં આવે છે ‘આદર્શ આચાર સંહિતા’. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાના પાલન ઉપર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ભાર મુકવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયામાં આ શબ્દ ખુબ જ અગત્યનો છે. શા કારણે લાદવામાં આવે છે આદર્શ આચાર સંહિતા જેના પાછળના કારણો પણ રસપ્રદ છે.
આદર્શ આચાર સંહિતા એટલે મૉડલ કોડ ઑફ કન્ડક્ટ.
આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણી પંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે, જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે, અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે.
આચાર સંહિતાના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્ય પોતાના અધિકારીક પદોનો ચૂંટણીના પ્રચાર માટે દુરુપયોગ ન કરે. જેના દ્વારા સામાન્ય જનતામાં કોઇ એક પક્ષ પ્રત્યે વધારે કે વિશેષ પ્રચારનો અવકાશ ન રહેતા, તમામ પક્ષોને જનતા સુધી પોતાની વાત મુકવાની સમાન તક મળે, અને જનતાને વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.
*આચાર સંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય*?
આચાર સંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.
– કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
– કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી, અને જરૂરી જ હોય તો ચૂંટણી પંચની મંજૂરી બાદ જ બદલી કરી શકાય છે.
– સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
– ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
– કોઈ વિશેષ પાર્ટીને ફાયદો થતો હોય તેવા આયોજન કે યોજનામાં સરકારી નાણાં વાપરી નહીં શકાય.
– સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાત સરકારી ખર્ચે આપી શકાતી નથી.
– સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હટાવી દેવામાં આવે છે.
– કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.
– મતદાનના દિવસે દારૂની દુકાનો બંધ રહે છે. મતદારોને દારૂ કે પૈસા આપવાની મનાઈ હોય છે.
– રાજકીય કાર્યક્રમો પર નજર રાખવા માટે ચૂંટણી પંચ ઑર્બ્ઝવરની નિમણૂંક કરે છે.
– કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે.
– સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત નહીં માગી શકે.
– જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચાર સંહિતાનો ભંગ કરે તો ચૂંટણી પંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.
હવે પ્રશ્ન એ થાય કે આ તમામ બાબતોનું અનુકરણ થાય છે તેની ચકાસણી કઇ રીતે થતી હશે. આ તમામ કામગીરી ઉપર બાજ નજર રાખવા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ટીમો-સમિતિઓની રચના કરવામાં આવે છે.
આ તમામ ગતિવિધિના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ આદર્શ આચાર સંહિતા (એમસીસી) નો ભંગ બાબતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત જાગૃત નાગરિકો ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકે તે માટે તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે cVIGIL એપ્લિકેશન બનાવવામાં આવી છે. cVIGIL એપ્લિકેશન મારફત મળેલી ફરિયાદનું માત્ર ૧૦૦ મીનિટમાં નિવારણ કરવાની સાથે ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવે છે.
દરેક જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર અને MCMC સમિતિ બનાવવામાં આવે છે જેના દ્વારા મીડિયા સર્ટિફિકેશન અને મોનીટરીંગની કામગીરીના ભાગરૂપે સ્થાનિક ન્યુઝ ચેનલ ઉપર ઉમેદવાર દ્વારા કરવામાં આવતા પ્રચાર ઉપર બાજ નજર રાખી તમામની નોંધણી કરવામાં આવે છે.
આ સાથે ખુબ જ જરૂરી છે ઉમેદવારો કોઇ પણ નાગરિકને પોતાને વોટ આપવા માટે કોઇ પણ પ્રકારના પ્રલોભનો ન આપે તેની. જેના માટે એક્ષપેન્ડીચર મોનીટરીંગ કમીટી બનાવવામાં આવે છે. જેમાં ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ અને વિડીયો સર્વેલન્સ ટીમ બનાવવામાં આવે છે. આ ટીમ ૪ થી ૫ મેમ્બરની બનેલી હોય છે.
સ્કવોર્ડના મુખ્ય અધિકારી, પોલીસકર્મી, વિડિયોગ્રાફર, તથા અન્ય ૨ કે ૩ સ્કવોર્ડ કર્મચારીઓ મળી એક-એક ટીમ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ચકાસણી કરતી હોય છે. જેમાં ચૂંટણીની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ન થાય તે માટે રોકડ રકમ, બેંકના લેવડ દેવડ ઉપર નજર રાખવા સહિત, લાલચ રૂપે આપી શકાય તેવી સામગ્રીઓની હેરફેર, સોના ચાંદીની વસ્તુઓ, મોંઘા માલ સામાન વગેરેને જપ્ત કરી લેવામાં આવે છે. આ તમામ કામગીરીની વિડિયોગ્રાફી કરી ચૂંટણી તંત્રને સોંપવામાં આવે છે. તથા વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ દ્વારા જે તે ખર્ચાને ઉમેદવાર કે પક્ષના ચૂંટણી ખર્ચમાં દર્શાવવામાં આવે છે. તથા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
વાત કરીએ મોરબી જિલ્લાની તો, નોડલ ઓફીસર ફોર એક્ષ્પેન્ડીંચર તરીકે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિને નિયુક્ત કરવામાં આવ્યા છે. ફલાઇંગ સ્કવોર્ડની ટીમો ગત તા.૧૬/૩/૨૦૨૪ થી જ કાર્યરત કરવામાં આવી છે. એક્ષ્પેન્ડીંચર એટલે કે ચૂંટણી ખર્ચ દેખરેખ માટે પણ વિવિધ ટીમો બનાવવામાં આવી છે.
અહિ રસપ્રદ બાબત એ છે કે, દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ વસ્તુઓ અને બાબતોના નક્કી કરવામાં આવેલા ભાવો મુજબ જ ખર્ચ કરી શકે છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા રૂ. ૯૫,૦૦,૦૦૦/- ચૂંટણી પંચ દ્વારા નક્કિ કરવામાં આવી છે.
કોઇ ઉમેદાવાર તેનાથી વધારે ખર્ચ ના કરે તે માટે વિવિધ ટીમો આ ખર્ચ ઉપર નજર રાખે છે. જેમ કે, પ્રચાર માધ્યમો પર પેઈડ ન્યુઝ પ્રદર્શિત ન કરે, તથા ચૂંટણી ખર્ચની મર્યાદામાં કરવામાં આવતી તમામ પ્રકારની જાહેરાતો વગેરે માટે મિડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીની રચના કરી અગાઉથી મંજુરી પત્ર મેળવાનું હોય છે. આ અંગેની નોંધ દૈનિક ધોરણે માહિતી ખાતા દ્વારા લેવામાં આવે છે જેનું રીપોર્ટીંગ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને અને રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા ભારત ચૂંટણી તંત્રને નિયમિત રીતે કરવામાં આવે છે.