ગરીબ તેમજ મધ્યમવર્ગના પરિવારોનું
અભિન્ન અંગ બની આયુષ્યમાન ભારત યોજના
ગુજરાતના જન જનની આયુષ્યમાન યોજના, દર્દીઓના નિશ્ચિંત મનની આયુષ્યમાન યોજના. આકસ્મિક સંજોગોમાં કરો યાદ આયુષ્યમાન યોજના, જરૂરીયાતમંદ પરિવારો માટે આશીર્વાદ આયુષ્યમાન યોજના.
ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબ પર આવેલી આકસ્મિક બીમારીની આફતના સમયે પરિવાર પર પડેલા ભારણને હળવું કરવામાં સરકાર સફળ થઈ છે. ઘરમાં આવેલી આકસ્મિક બીમારીના સંજોગોમાં સરકાર ઘરના જવાબદાર સભ્યની જેમ કુટુંબ સાથે અડીખમ ઉભી છે. સરકારે આપેલું આયુષ્યમાન કાર્ડ એ સમયમાં પરિવાર માટે આશીર્વાદથી જરાય ઉતરતું નથી તેવું ગુજરાતના જન જન નો અવાજ છે.
ગત વર્ષ-૨૦૨૨ માં ગુજરાતના લાખો ચિંતિત ચહેરા પર સ્મિતની આભા બનીને મહેકી છે આયુષ્યમાન ભારત યોજના. આ સુવાસના ભાગીદાર બન્યા છે મોરબીના ૧૩ હજારથી વધુ લોકો. મોરબી જિલ્લામાં ૨.૫૦ લાખથી વધુ લોકો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલા છે. જે થકી ગત વર્ષ દરમિયાન સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં સામાન્ય કે ગંભીર બીમારીની સારવાર મેળવેલા ૧૩ હજારથી વધુ દર્દીઓ કે તેમના પરિજનોને સારવારના ખર્ચનું ભારણ વેઠવું પડ્યું નથી. ગત વર્ષે આ ૧૩ હજારથી વધુ દર્દીઓને સરકાર દ્વારા ૨૮ કરોડથી વધુની સહાય એનાયત કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે અભિન્ન અંગ બની ગઈ છે. ખાનગી હોસ્પિટલની બહાર બેઠેલા એક માજીએ ખૂબ સારી વાત કરેલી. અંદર તેમનો પુત્ર સારવાર હેઠળ હતો અને તેઓ બહાર બેઠેલા હતા ત્યારે પુત્રવધુએ આવીને પૂછ્યું કે, માજી સારવારના ખર્ચનું શું થશે ? ત્યારે તેમણે ખુબ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આપણે ચિંતા શાની, સારવારના ખર્ચની ચિંતા તો સરકાર કરશે આયુષ્યમાન કાર્ડ જો છે આપણી પાસે ! આવા હજારો પરિવારોનો એક જ સૂર છે કે, આયુષ્માન કાર્ડથી તેમણે ખાનગી દવાખાનામાં આકસ્મિક સારવાર લેવી પડે તો પણ સહેજે ચિંતા નથી, આયુષ્યમાન કાર્ડ તો છે તેમની પાસે. આયુષ્માન કાર્ડ થકી યોગ્ય અને અદ્યતન સારવાર લઈ અનેક લોકો તેમનું જીવન સહજતાથી જીવી રહ્યા છે. ક્યાંક ગૃહિણી ફરીથી તેમના ઘરકામમાં વ્યસ્ત બની છે તો ક્યાંક કોઈ મજૂર તેમના વ્યવસાયમાં ફરી પાછા સરળતાથી જોડાઈ શક્યા છે.
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આયુષ્યમાન યોજના લોકો માટે અનિવાર્ય બની ચૂકી છે. ગુજરાતમાં ૧૯૭૪ સરકારી અને ૮૫૩ ખાનગી દવાખાના ખાતે આયુષ્યમાન કાર્ડ થકી અદ્યતન સારવાર નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બની છે. ગુજરાત ક્લેમ્સ નોંધણીમાં પણ અવ્વલ છે. આમ, આજે આયુષ્યમાન કાર્ડ યોજના એટલે ગુજરાતના જન જનની યોજના.